અમ્પાયરની ખુલ્લેઆમ બેઈમાની !!
શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચેની ટી-૨૦માં થયો મોટો વિવાદ: ક્રિકેટમાં બની વધુ એક શરમજનક ઘટના
બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં મોટો બખેડો જોવા મેળ્યો હતો. બન્ને ટીમ વચ્ચે આ મેચ બાંગ્લાદેશના સિલહટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. મેચમાં શ્રીલંકાએ પહેલાં બેટિંગ કરતા ૧૬૫ રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમે મજબૂત શરૂઆત પણ કરી હતી. પહેલી ત્રણ ઓવરમાં ઓપનિંગ જોડીએ ૨૮ રન બનાવ્યા હતા. બીજી બાજુ શ્રીલંકા માટે બિનુરા ફર્નાન્ડોએ ચોથી ઓવરના પહેલાં દડે સૌમ્ય સરકારને આઉટ કર્યો હતો. દડો બેટના છેડાને અડીને વિકેટકિપરના હાથમાં આવ્યો હતો. અપીલ બાદ મેદાન અમ્પાયરે બેટરને આઉટ માટે આંગળી ઉંચીકરી દીધી હતી પરંતુ સૌમ્ય સરકારે ડીઆરએસ લીધું હતું.
ડીઆરએસના વીડિયો રિપ્લેમાં સ્કિનોમીટર પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે દડો બેટની એઝ (છેડા)ને અડીને વિકેટકિપરના હાથમાં પહોંચ્યો છે પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે થર્ડ અમ્પાયર મસૂદુર રહમાને સૌમ્ય સરકારને નોટઆઉટ આપ્યો હતો. આ પછી મેદાન ઉપર જ બબાલ શરૂ થઈ હતી.
થર્ડ અમ્પાયરના નિર્ણયને કારણે જે સમયે આ વિવાદ થયો હતો ત્યારે સૌમ્ય સરકાર ૯ દડામાં ૧૪ રન બનાવીને રમી રહ્યો હતો. જો કે સૌમ્ય સરકાર વધુ ટકી શક્યો ન્હોતો અને ૨૬ રન બનાવીનેઆઉટ થયો હતો. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલા નઝમુલ હસન શંટોએ દમદાર રમત બતાવતા ૩૮ દડામાં ૫૩ રનની ઈનિંગ રમીને બાંગ્લાદેશને ૮ વિકેટે જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નઝમુલ હસન શંટો ઉપરાંત ઓપનિંગ બેટર લિટન દાસે પણ ૩૬ રનની ઈનિંગ રમી હતી. આ રીતે બાંગ્લાદેશ ટીમે બીજી ટી-૨૦ મેચ જીતી શ્રેણીમાં ૧-૧ની બરાબરી કરી લીધી છે.