બંગાળમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
ક્યાં સભા સંબોધી ?
બંગાળના સંદેશખલીમાં મહિલા અત્યાચારનો મુદ્દો હવે ગંભીર બની ગયો છે ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાની બંગાળ યાત્રાના બીજા દિવસે આ મુદ્દા પર મમતા સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે સંદેશખલીમાં ઘોર પાપ થયું છે અને દેશનું માથું શરમથી ઝૂકી ગયું છે. મમતાના રાજમા મહિલાઓ સલામત અને સુરક્ષિત નથી.
બંગાળના બારાસાતમાં થયેલા નારી શક્તિ વંદના કાર્યક્રમ દરમિયાન સંદેશખાલી મામલે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘ ટીએમસી સરકારને તમારા દુઃખથી કોઈ ફરક નથી પડતો. ટીએમસી સરકાર બંગાળની મહિલાઓના ગુનેગારને બચાવવા માટે તમામ શક્તિ લગાવી રહી છે પણ પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટથી પણ રાજ્ય સરકારને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના રાજમાં ત્યાં અત્યાચાર થઈ રહ્યો છે.’
એમણે વધુમાં કહ્યું કે, ‘ટીએમસી સરકારને અત્યાચારી નેતા પર ભરોસો છે પરંતુ બંગાળની બહેન-દીકરીઓ પર ભરોસો નથી. બંગાળની મહિલાઓ અને દેશની મહિલાઓ આક્રોશમાં છે. મહિલાઓનો આ ગુસ્સો માત્ર સંદેશખાલી સુધી સીમિત નથી રહેવાનો. હું જોઈ રહ્યો છું કે ટીએમસીના માફિયા રાજને ખતમ કરવા માટે બંગાળની નારી શક્તિ નિકળી ચૂકી છે. બંગાળની બહેન-દીકરીઓનો બુલંદ અવાજ માત્રને માત્ર ભાજપ જ છે.’
પીડિતાઓ વડાપ્રધાનને મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અહીં પર તેમણે સંદેશખાલીની પાંચ પીડિત મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિત મહિલાઓએ તેમની સાથે થયેલી ઘટના અંગે વડાપ્રધાન મોદીને જણાવ્યું. આ મહિલાઓનું દર્દ સાંભળીને વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા અને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. વડાપ્રધાને પૂરતી સુરક્ષા આપવાની હૈયાધારણ આપી હતી.