કેજરીવાલ એ કહ્યું,’ જવાબ દેવા માટે તૈયાર છું, પણ વીડિયોના માધ્યમથી..’જુઓ
ઇડી એ કહ્યું,’ એવી કોઈ જોગવાઈ નથી રૂબરૂ આવો’
દિલ્હી લીકર પોલિસી કેસમાં ઇડીએ 27મી ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આઠમું સમન્સ મોકલી અને ચોથી માર્ચે પૂછપરછ માટે ઉપસ્થિત થવા આદેશ કર્યો હતો. અત્યાર સુધી સાત સમન્સ ઠુકરાવી ચૂકેલા કેજરીવાલે જોકે ચોથી માર્ચે પણ પોતે અન્ય કાર્યોમાં વ્યસ્ત હોય 12મી માર્ચ પછી વીડિયોના માધ્યમથી પૂછપરછ માટે ઉપસ્થિત થઈ શકશે એવો જવાબ આપી ઇડીના વધુ એક સમન્સ નો અનાદર કર્યો હતો.
બીજી તરફ ઇડીએ વીડિયોના માધ્યમથી પૂછપરછ કરવાની કોઈ જોગવાઈ ન હોવાનું જણાવી કેજરીવાલને ચોથી તારીખે રૂબરૂ જ ઇડિના દિલ્હી ખાતેના વડા મથકે હાજર થવા ફરી એક વખત આદેશ કર્યો છે.
નોંધનીય છે કે ઇડી દ્વારા કેજરીવાલને પ્રથમ સમન્સ છેક 2023 ના નવેમ્બર મહિનામાં મોકલવામાં આવ્યું હતું. તે પછી કેજરીવાલ સતત સમન્સોનો અનાદર કરતા રહ્યા છે. તેઓ આ સમનસોને ગેરકાયદે ગણાવી સરકાર તેમની ધરપકડ કરવા માગતી હોવાનો આક્ષેપ કરતાં રહ્યાં છે. આ અંગે ઇડીએ કરેલી રજૂઆતને પગલે દિલ્હીની અદાલતે કેજરીવાલને સમન્સનો અનાદર કરવાના કારણો દર્શાવવા માટે અદાલતમાં ઉપસ્થિત થવા જણાવ્યું હતું.બાદમાં અદાલતે તેમને 16 મી માર્ચે અદાલતમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.