આટકોટ નજીક 2.88 લાખનો બાયોડીઝલનો જથ્થો પકડાયો
ગાંધીનગર પુરવઠા વિભાગની વિજિલન્સ ટીમ અને જસદણ મામલતદારનું સંયુક્ત ઓપરેશન
રાજકોટ : તાજેતરમાં ગોંડલ નજીકથી ઘઉંનો જથ્થો જપ્ત કરી પુરવઠા વિભાગને દોડતો કરી દેનાર ગાંધીનગર પુરવઠા વિભાગની વિજિલન્સ ટીમે ગુરુવારે સવારે જસદણ મામલતદારને સાથે રાખી આટકોટમાં જાહેરમાં વેંચાતા રૂપિયા 2.88 લાખના બાયોડીઝલના 4000 લીટર જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરતા બાયોડીઝલનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારે સવારે ગાંધીનગર પુરવઠા વિભાગની વિજિલન્સ ટીમે જસદણ મામલતદારને સાથે રાખી આટકોટ ખાતે આવેલ સત્ય સાઈ પટ્રોલપંપ સામે ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતા ઘટના સ્થળેથી આરોપી અરવિંદ મનુભાઈ ધડુક, રહે. સાણથલી, તા.જસદણ નામના શખ્સના કબ્જામાથી રૂપિયા 2.88 લાખની કિંમતનો 4000 લીટર શંકાસ્પદ બાયોડીઝલ જેવા પ્રવાહીનો જથ્થો મળી આવતા પુરવઠા વિજિલન્સની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઝાંબાઝ પુરવઠા ઇન્સ્પેકટરોની ટીમ નિંદ્રાધીન
રાજકોટ શહેર અને જિલ્લામાં એનએફએસએ રેશનકાર્ડ ધારકોને મળતા સસ્તા અનાજના જથ્થાનું મોટાપાયે કાળાબજાર થતું હોવાની વાત જગજાહેર હોવા છતાં પણ રાજકોટ જિલ્લા પુરવઠા તંત્રની ઝાંબાઝ ટીમને ક્યાંય ગેરરીતિ જોવા મળતી નથી. એ જ રીતે ગોંડલ નજીક ઘઉંનો કાળો કારોબાર થતો હોવાની બાતમી છે ક ગાંધીનગર વિજિલન્સ સુધી પહોંચવા છતાં સાવજ જેવા પુરવઠા ઇન્સ્પેકટરોને જાણકરી નથી એવામાં ગુરુવારે રાજકોટ – ભાવનગર હાઇવે ઉપર ખુલ્લેઆમ બાયોડીઝલના નામે વેચાઈ રહેલા એલડીઓ પ્રકરણમાં પણ પુરવઠા ઇન્સ્પેકટરોની ટીમ કલેકટર કચેરીમાં ઊંઘતી ઝડપાઇ હોવાનું સાબિત થયું છે, જો કે તા.1થી 10માં જ શહેરમાં વહીવટી કામ માટે આંટાફેરા કરતી ટીમ મોટાગજાના પરવાનેદારો સાથે સમય પસાર કરવાની સાથે શહેર – જિલ્લામાં ગેરકાનૂની કામો ઉપર પણ નજર રાખે તો ગાંધીનગરની ટીમોને રાજકોટ ન આવવું પડે તેમ હોવાનું પણ મનાઈ રહ્યું છે.