હિમાચલમા ઘીના ઠામમાં ઘી, સુખુ મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે
કોંગીના નિરીક્ષકોની પત્રકાર પરિષદમાં જાહેરાત: 6 સભ્યની સમન્વય કમિટી બનશે જે સરકાર સાથે કામ કરશે
હિમાચલ પ્રદેશમાં પાછલા ત્રણ દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામા અને કાવાદાવાઓનો અંત આવી ગયો હતો. ગુરુવારે બપોરે શિમલામાં સીએમ હાઉસમાં બેઠક મળી હતી. જેમાં ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, સુખુ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. બધાના મતભેદો દૂર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના નિરીક્ષકો શિવકુમાર તેમજ ભૂપેન્દ્ર હુડ્ડાએ પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે, બધા એક સાથે મળીને લોકસભાની ચુંટણી લડશે. 6 સભ્યની સમન્વય કમિટી બનશે જે પાર્ટી અને સરકાર વચ્ચે તાલમેલ સાધીને કામ કરશે. કમિટીમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ અને ડેપ્યુટી સીએમ પણ હશે.
રાજીનામું આપનાર વિક્રમાદિત્ય સિંહના માતુશ્રી અને પ્રદેશ કોંગી પ્રમુખ પ્રતિભા સિંહે પણ કહ્યું હતું કે, ચુંટણી માટે મહેનત કરશું. રાજ્યસભાની બેઠક હારી જવાનું દુ:ખ છે. કોંગ્રેસના નિરીક્ષકોએ એવી ચોખવટ પણ કરી હતી કે, કોંગી સરકાર પર કોઈ સંકટ નથી અને તે પૂરા પાંચ વર્ષ સુધી ચાલશે.
આજ સવારથી કોંગ્રેસના કેમ્પમાં ડેમેજ કંટ્રોલની કવાયત ચાલી હતી અને નારાજ સભ્યો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદ બધાના મતભેદો દૂર કરવામાં આવ્યા હતા તેવો દાવો કરવામાં આવ્યો હતો.
