જીએસટીની ફ્લાઇંગ સ્કવોડે 48 ટ્રક જપ્ત કરી લાખોનો રૂપિયાનો દંડ ફટકાર્યો
છેલ્લા ત્રણ માસ દરમિયાન અન્ડર બિલિંગ, બિલ વગરનો માલ સહિતની બાબતે કાર્યવાહી કરી
રાજકોટ જીએસટી વિભાગ કરચોરો સામે તો કડક પગલાં લઈ રહ્યું છે. તો બીજી તરફ જીએસટી અન્વેષણ વિભાગ હેઠળની ફ્લાઇંગ સ્કવોડ પણ આકરી કાર્યવાહી કરી રહી છે. ફ્લાઇંગ સ્કવોડ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન 48 ટ્રક ડિટેઇન કરવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
જીએસટીના અન્વેષણ વિભગની ફ્લાઇંગ સ્કવોડ/મોબાઈલ સ્કવોડની ટીમ હાઇ-વે ચેક પોસ્ટ પર 24 કલાક ડ્યૂટી પર હોય છે. આ ટીમ હાઇ-વે પરથી પસાર થતાં ટ્રક સહિતના વાહનોની તપાસ કરે છે. ખાસ કરીને હાઇ-વે પરથી પસાર વાહનોમાં અન્ડર બિલિંગ એટલે કે માલ કરતાં ઓછી રકમ દેખાડવી, બિલ વગરના માલનું પરિવહન કરતાં વાહનો, ઇવે-બિલ જનરેટ કરેલ ન હોય, અનરજિસ્ટર્ડ ડીલર દ્વારા જતો માલ વગેરેને પકડીને ખરાઈ કરવામાં આવે છે. જો કસૂરવાર જણાઈ આવે તો આવો માલ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવે છે.
મહત્વનું છે કે, કેટલાક વેપારીઓ ટેક્સ ઓછો ભરવો પડે તે માટે આ પ્રકારની યુક્તિ અપનાવતા હોય છે પરંતુ જ્યારે હાઇ-વે પરથી વેપારીઓના માલના ટ્રક નીકળે છે ત્યારે ફ્લાઇંગ સ્કવોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ફ્લાઇંગ સ્કવોડ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન આવા 48 ટ્રક પકડી પાડવામાં આવ્યા છે અને લાખો રૂપિયાની દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે સરકારને થતું નુકસાન અટકાવ્યું છે. મોટેભાગે હાઇ-વે પરથી પકડવામાં આવતી ટ્રકોમાં સિરામિક, બ્રાસ તેમજ સ્ક્રેપના માલની હેરાફેરીમાં અન્ડર બિલિંગનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે અને આવા માલની હેરાફેરી કરતાં વાહનોને પકડવામાં આવતા હોવાનું પણ જીએસટીના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
