ગૃહ મંત્રાલયે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરી..વાંચો શું જાહેર કર્યું …
કેદીઓ સાથે જ્ઞાતિને આધારે ભેદભાવ ન કરવામાં આવે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જેલ પ્રશાસનને જેલ પરિસરની અંદર કેદીઓ સાથે જ્ઞાતિના આધારે ભેદભાવ ન થાય એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસાશન એ સુનિશ્ચિત કરે કે તેમના સંબંધિત જેલ મેન્યુઅલ અથવા એક્ટમાં કોઈ “ભેદભાવપૂર્ણ” જોગવાઈઓ તો નથી ને, કે જે કેદીઓને તેમની જાતિ અને ધર્મના આધારે અલગ પાડે. મંત્રાલયે ધ્યાન દોર્યું કે આવી જેલ મેન્યુઅલ અને નિયમો ધ્યાન પર આવ્યા છે, જે ભારતના બંધારણની વિરુદ્ધ છે.
સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં જાતિ આધારિત ભેદભાવ અને જેલોમાં કેદીઓને અલગ રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જેલ માર્ગદર્શિકામાં આ પ્રકારની પ્રથાઓને ફરજિયાત કરતી જોગવાઈઓને રદ કરવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી હતી. જેના પર બે મહિના અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને 11 રાજ્યોને નોટિસ જાહેર કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તાજેતરની એડવાઇઝરીમાં મુખ્ય સચિવો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની જેલોના મહાનિર્દેશકોને જણાવવામાં આવ્યું છે કે, “મંત્રાલયના ધ્યાન પર આવ્યું છે કે કેટલાક રાજ્યોની જેલ મેન્યુઅલમાં કેદીઓને તેમની જાતિ અને ધર્મના આધારે અલગ કરવાની જોગવાઈ કરે છે અને તે મુજબ તેમને જેલમાં ફરજો સોંપવામાં આવે છે. નોંધનીય છે કે ભારતના બંધારણમાં ધર્મ, જાતિ, જાતિ, જન્મ સ્થળ વગેરેના આધારે કોઈપણ પ્રકારના ભેદભાવ પર પ્રતિબંધિત છે.”
