યસ સર ! સરપ્રાઈઝ ચેકિંગની અસર તળે તમામ કર્મીઓ ટાઇમસર હાજર
કલેકટર કચેરીમાં ગુટલીબાજ કર્મચારીઓને સબક માટે 45 દિવસ સુધી અધિક નિવાસી કલેકટરની ચેમ્બરમાં રહેશે હાજરી પત્રક
રાજકોટ : રાજકોટના જિલ્લા સમાહર્તાની કચેરીમાં જ દીવા તળે અંધારું જેવી સ્થિતિમાં ઉપરી અધિકારીની આંખોમાં ધૂળ નાખી લેઇટ લતીફ અને ગુટલીબાજ કર્મચારીઓ મન પડે ત્યારે કચેરીમા આવતા હોવાનું અધિક નિવાસી કલેકટરના સરપ્રાઈઝ ચેકિંગમાં બહાર આવતા ગઈકાલે એક ડઝન કર્મચારીઓના ખુલાસા પુછાતા સીધી જ અસર રૂપે બુધવારે તમામ કર્મચારીઓ સમયસર કચેરીમાં હાજર થઇ ગયા હોવાનું જાણવા મળે છે.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી કેટલાક કર્મચારીઓ સમયસર આવતા ન હોવાના લાંબા સમયના નિરીક્ષણ બાદ મંગળવારે અધિક નિવાસી કલેકટર ગાંધી દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરી પુરવઠા, મધ્યાહન ભોજન, ખાણખનીજ, જિલ્લા આયોજન સહિતના વિભાગોના હાજરી મસ્ટર કબ્જે કરી લેઇટ આવનાર તમામનો ઉધડો લેતા ગુટલીબાજ કર્મચારીઓમાં રીતસર ફફડાટ મચી જવા પામ્યો હતો.
બીજી તરફ મંગળવારનો સપાટો રંગ લાવ્યો હોય તેવી સ્થિતિમાં બુધવારે સવારે 10.30ના ટકોરે તમામ શાખાના વડા સહિતના કર્મચારીઓ કચેરીમાં હાજર થઇ ગયા હતા. જો કે, આમ છતાં અધિક જિલ્લા કલેકટર દ્વારા આગામી 45 દિવસ સુધી હાજરી મસ્ટર તેમની ચેમ્બરમાં જ રાખી હાજરી પુરવામાં આવનાર હોવાનું જાહેર કરતા લેઇટ લતિફોને હાલમાં તકલીફનો સામનો કરવાની નોબત આવી છે.