ચૂંટણી પંચની આઇટી ઍપ્લિકેશન્સ અંગે અધિકારીઓને તાલીમ અપાઈ
ઍનકોર, NGRS, EMS, C-Vigil, સુવિધા સહિત આઇટી ઍપ્લિકેશન્સના સંચાલન અને ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી
રાજકોટ : મુક્ત અને ન્યાયી ચૂંટણીઓના સંચાલનને વધુ સરળ અને સુચારૂ બનાવવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વિવિધ આઇટી ઍપ્લિકેશન્સ તૈયાર કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન્સના ઉપયોગ અંગે રાજ્યના તમામ જિલ્લામાં કાર્યરત આઇટી ઍપ્લિકેશન્સ નોડલ ઑફિસર્સ, સિસ્ટમ સુપરવાઈઝર્સ તથા એનઆઈસી ઑફિસર્સ માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા એક દિવસીય તાલીમ વર્કશૉપ યોજાયો હતો.
ગાંધીનગર ખાતે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યના અધ્યક્ષસ્થાને યોજાયેલા તાલીમ વર્કશૉપમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારીપત્રો ભરવા, સોગંદનામા, વિવિધ પરવાનગીઓ, મતગણતરી, સર્વિસ વોટર પોર્ટલ અને સ્ટાફ રેન્ડમાઈઝેશન માટે તૈયાર કરવામાં આવેલી ENCORE ઍપ્લિકેશન, NGRS, EMS, C-Vigil તથા સુવિધા સહિતની આઇટી ઍપ્લિકેશન્સ અંગે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ તથા આઇટી તજજ્ઞો દ્વારા વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી 100 જેટલા આઇટી ઍપ્લિકેશન્સ નોડલ ઑફિસર્સ, સિસ્ટમ સુપરવાઈઝર્સ તથા એનઆઈસી ઑફિસર્સ હાજર રહ્યા હતા.