રાજકોટના બે બિલ્ડર ગ્રુપ અને ફાયનાન્સરને ત્યાં આવકવેરાના દરોડા
ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને દિલીપ લાડાણીના ઘર ઓફિસ સહિત 35 સ્થળોએ તપાસ
રાજકોટ,જુનાગઢ,જામનગર, અમદાવાદ, વડોદરા અને સુરતના ૨૦૦ જેટલા અધિકારીઓ જોડાયા
રાજકોટના મોટા ગજાના બિલ્ડર અને ઉધોગકાર અને તેની સાથે જોડાયેલ ભાગીદારો અને એકાઉન્ટન્ટ સહિત 35 થી વધુ સ્થળે
આવકવેરા વિભાગે દરોડા પડ્યા હતા. રાજકોટના ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેની સાથે સંકળાયેલા ભાગીદારો મયુર રાદડીયા, પરેશ ચાંગેલા-ગોલ્ડન આર્ક મોટામવા, દાનુભા જાડેજા(દોમડા), મહિપતસિંહ ચુડાસમા સહિતના ભાગીદારોને ત્યાં આવકવેરાની ઇન્વેસ્ટીગેશનની વિંગ ત્રાટકી હતી અને 35 જેટલા સ્થળોએ તપાસ શરૂ કરી ક છે. બિલ્ડર ગ્રુપ પર આઇટીના દરોડાથી બિલ્ડર લોબીમાં સોંપો પડી ગયો હતો.
રાજકોટ આવકવેરા વિભાગના ઇન્વેસ્ટીગેશન વિંગના ડાયરેકટર દ્રૌપસિંગ મીણા અને આસીસટન્ટ ડાયરેકટર આદર્શ તિવારીના માર્ગદર્શન હેઠળ રાજકોટ ઇન્વેસ્ટીગેશન વિંગ સાથે અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા સહિતના અંદાજે ૨૦૦થી અધિકારીઓની ટીમે રાજકોટમાં અલગ અલગ 35 થી વધુ સ્થળોએ દરોડા પાડી સર્ચ અને સર્વે કામગીરી શરૂ કરી છે.
લાડાણી ગ્રુપના દિલીપ લાડાણી સાથે ઓરબીટ બિલ્ડર ગ્રુપના વિનેશ પટેલ અને મયુર રાદડીયા, પરેશ ચાંગેલા-ગોલ્ડન આર્ક મોટામવા, દાનુભા જાડેજા(દોમડા), મહિપતસિંહ ચુડાસમા સહિતના બિલ્ડરોના ઘર તેમજ ઓફિસ અને પ્રોજેક્ટ સાઇટ સ્થળ સહિતના સ્થળો પર તપાસ શરૂ કરવામાં આવી છે. આવકવેરા તંત્રએ કોમ્પ્યુટર, હાર્ડડિસ્ક, પેનડ્રાઇવ, મેઇલ રેકોર્ડ, મોબાઇલ રેકર્ડ વગેરેના ઇન્વેસ્ટીગેશન દ્વારા ફોરેન્સિક તપાસ પણ હાથ ધરી છે. વિનેશ પટેલ અને દિલીપ લાડાણી દ્વારા શહેરના મુંજકા વિસ્તારમાં તાજેતરમાં લોન્ચ કરાયેલા ગુજરાતના સૌથી ઊંચા ૪૦ માળના પ્રોજેકટ બાદ આવકવેરા તંત્રની ધ્યાનમાં આ ગ્રુપ આવ્યું હતું અને લાંબી સ્ક્રુટીની બાદ આવકવેરા તંત્રએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ઓરબીટ ગ્રુપ દ્વારા ગાર્ડન નામથી અનેક પ્રોજેકટ હાથ ધરાયા છે. જેમાં ગેલેકસી ગાર્ડન, ઓરબીટ સ્કાય ગાર્ડન, ઓરબીટ ગાર્ડન સહિતના પ્રોજેકટ તથા કોટેચા ચોકથી અમીન માર્ગ જતાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલની બાજુમાં આવેલા ટવીન સ્ટાર સહિતના પ્રોજેકટના આર્થિક વ્યવહારો ઉપર આવક વેરાની નઝર હોય જેના કેટલાક શંકાસ્પદ વ્યવહારો ધ્યાને આવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. બિલ્ડર ગ્રુપ અને તેની સાથેના ભાગીદારો તેમજ પ્રોજેકટમાં રોકાણ કરનાર ફાઇનાન્સરોને ત્યાં આવકવેરાની ટીમે ૩5 થી વધુ સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં પ્રારંભીક તપાસમાં જ કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર હાથ લાગ્યા છે. રાજકોટમાં અગાઉ આર.કે ગ્રુપને ત્યાં પડેલા દરોડા બાદ સૌથી મોટો દરોડો હોવાનું આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્યના સૌથી મોટા ૪૦ માળના પ્રોજેકટનું એમઓયુ
કરનાર બિલ્ડર ઉપર આવકવેરાની નજર હતી
રાજકોટના લાડાણી અને ઓરબીટ ગ્રુપ દ્વારા ગુજરાતના સૌથી મોટા 40 માળના બિલ્ડિંગનું રાજય સરકાર દ્વારા યોજાયેલ વાઇબ્રન્ટ સમીટમાં એમઓયુ કરવામાં આવ્યું હતું. રાજકોટના બે પ્રતિષ્ઠિત બિલ્ડર ગ્રુપ એકમ ગ્રુપ અને ઓરબીટ રોયલ ગાર્ડન ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રના સૌપ્રથમ 40-40 માળના બે ટોલ બિલ્ડીંગના 2500 કરોડના પ્રોજેકટના એમઓયુ કરવામાં આવ્યા હોય જેનો ફેસ-1 પ્રોજેક્ટ ચાલુ હોય તે બાબત પણ આવકવેરા દરોડા માં મહત્વની માહિતી મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રાજકોટના રીયલ એસ્ટેટ ક્ષેત્રેએ પૂરા રાજયની સૌથી મોટો પ્રોજેક્ટ ઉપર આવકવેરાની નજર હતી.
