રાજકોટના બે કુખ્યાત જુગારીએ મહેસાણાના ખેતરમાં જુગારનો અડ્ડો શરૂ કર્યો !
થોડા દિવસ પહેલાં જ વંથલીમાંથી પકડાયેલા રજાક સમા-હબીબ ઠેબાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો: રજાક સહિત ૧૯ પકડાયા, ૧૧ ફરાર: ૩૫.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ઉપરાંત અમદાવાદ, મુંબઈ, જામનગર, જૂનાગઢથી જુગારીઓ રમવા આવ્યા’તા
રાજકોટમાં `અઠંગ’ જુગારીઓની યાદીમાં જેનું નામ મોખરે આવે છે તેવા રજાક સમા અને હબીબ ઠેબાએ મહેસાણાના ખેતરમાં ઘોડીપાસાનો જુગાર અડ્ડો શરૂ કરી દેતાં સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતાં દોડધામ મચી જવા પામી હતી. જુગાર જ્યાં રમાતો હતો તે ખેતરમાંથી પોલીસે અડ્ડાના સંચાલક રજાક સમા સહિત ૧૯ લોકોને દબોચી લીધા હતા જ્યારે ૧૧ નાસી જવામાં સફળ રહ્યા હતા. અહીંથી પોલીસે ૩૫.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રજાક-હબીબની જુગાર ક્લબમાં રમવા માટે રાજકોટ ઉપરાંત અમદાવાદ, મુંબઈ, જામનગર, જૂનાગઢથી આવ્યા હોવાનું ખુલ્યું છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી આર.બી.બ્રહ્મભટ્ટ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.જી.ખાંટ સહિતની ટીમે મહેસાણાના કડી ગામે અહેમદ જમાભાઈ સીપાઈના ખેતરમાં દરોડો પાડીને રજાક ખમીશાભાઈ સમા (રહે.કોઠારિયા રોડ-રાજકોટ), પરાગ વલ્લભભાઈ વડેરા (રહે.અમદાવાદ), નરેન્દ્ર ભગવાનજી પુંજાણી (રહે.મુંબઈ), હિરેન શૈલેષભાઈ તન્ના (રહે.રાજકોટ), સોહિલ અશરફભાઈ બેલિમ (રહે.રાજકોટ), મોહસીન હબીબભાઈ કાઝી (રહે.કાલાવડ), રવિ હિરાભાઈ જગાડા (રહે.જૂનાગઢ), ઈર્શાદ બકરુદ્દીન શાહ (રહે.અંકલેશ્વર), કાળુ બહાદુરભાઈ કુકરેજા (રહે.મુંબઈ), ઈમરાન સલીમ કાઠી (રહે.જૂનાગઢ), હારુન હનિફભાઈ હાલા (રહે.જૂનાગઢ), આદમ હુસેનભાઈ હાલા (રહે.જૂનાગઢ), મયુર કાથડભાઈ મૈયડ (રહે.રાજકોટ), રાજેશ જયંતીભાઈ વાઘેલા (રહે.ગોંડલ), જયેશ શશીભાઈ સાતા (રહે. રાજકોટ), ગફાર આદમભાઈ સમા (રહે.રાજકોટ) અને અસલમ દાઉદભાઈ જાદવ (રહે.મહેસાણા)ને ૨.૪૬ લાખની રોકડ, મોબાઈલ ૩૨.૫૦ લાખના વાહનો સહિત ૩૫.૯૭ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
જ્યારે જુગારધામનો અન્ય સંચાલક હબીબ કાળુભાઈ ઠેબા (રહે.રાજકોટ), હૈદર પીરુભાઈ વાઘેલા, રફીક પીરુભાઈ વાઘેલા, મોહસીન ગુલાબભાઈ વાઘેલા, મહેબુબ (રહે.રાજકોટ) સહિતના ૧૧ લોકો ફરાર થઈ ગયા હતા.
વહેલી સવારે પાંચ કિલોમીટર પગપાળા ચાલી પાડ્યો દરોડો
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી મળ્યા બાદ મહેસાણાના કડી ગામે ખેતરમાં દરોડો પાડી મસમોટું જુગારધામ પકડી પાડ્યું હતું. અહીં આખી રાત જુગારધામ ચાલતું હોવાનું ધ્યાન પર આવતાં જ ટીમે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો. જો કે જ્યાં જુગાર રમતો હતો તે ખેતર મુખ્ય રસ્તાથી અંદર પાંચેક કિલોમીટર દૂર હોય પોલીસ પગપાળા ચાલીને જુગારધામ સુધી પહોંચી જતાં જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
ખેતરમાં ઘોડીપાસા માટે ખાસ વ્યવસ્થા કરાઈ’તી
રાજકોટના જુગારી હબીબ ઠેબા-રજાક સમાએ ખેતરમાં ઘોડીપાસાનો જુગાર વ્યવસ્થિત રમાડી શકાય તે માટે એક ખાસ પટ બનાવ્યો હતો જ્યાં ટાઈલ્સ ફિટ કરાવી હતી ! આ ઉપરાંત ઘોડી પાસા માટે લાકડી સહિતની વ્યવસ્થા પણ કરેલી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
૧૫ દિ’થી જુગાર રમાતો હતો છતાં સ્થાનિક પોલીસ અજાણ !
જાણવા મળ્યા પ્રમાણે હબીબ-રજાકે ૧૫ દિવસથી મહેસાણાના કડી ગામે ખેતરમાં જુગારધામ શરૂ કર્યું હતું. જો કે આટલા દિવસથી જુગાર રમાતો હતો અને મોટી સંખ્યામાં જુગારી આવતા હોવા છતાં સ્થાનિક બાવલુ પોલીસ અંધારામાં રહી જતાં તેની કોઈ ભૂમિકા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે.
