વડા પ્રધાન મોદીએ સુદર્શન સેતુનું કર્યુ લોકાર્પણ..જુઓ
બેટ દ્વારકા મંદિર અને દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતને મોટી ભેટ આપી છે. વડા પ્રધાન મોદીએ ઓખા મેઈનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડતા દેશના સૌથી લાંબા કેબલ બ્રીજ ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કર્યુ હતું. આજે રવિવારે સવારે વડા પ્રધાને બેટ દ્વારકા મંદિરે પુજા અને દર્શન કરી હતી, ત્યાર બાદ તેમણે સુદર્શન સેતુ લોકાર્પણ કર્યું હતું.આ લોકાર્પણ બાદ તેઓ દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં જગત મંદિરમાં દ્વારકાધીશની પૂજા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કુબા ડ્રાઇવિંગ કર્યું હતું. સંગમ નારાયણ મંદિર વિસ્તારમાં દરિયામાં 2 નોટીકલ માઈલ દૂર દરિયામાં ડૂબેલી પૌરાણિક દ્વારકા નગરીને PM મોદીએ સ્કુબા ડ્રાઇવ મારફતે નિહાળી હતી. તેમણે એક જાહેરસભાને સંબોધન પણ કર્યું હતું અને દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરના 4 હજાર કરોડથી વધુના કુલ 11 વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

વડાપ્રધાને આજે ખુલ્લા મુકેલા સિગ્નેચર બ્રીજને સુદર્શન સેતુ નામ આપવામાં આવ્યું છે. ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડતો ‘સુદર્શન સેતુ’ રૂ.979 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદીએ ઓક્ટોબર 2017માં 2.3 કિમી લાંબા આ પુલનો શિલાન્યાસ કર્યો હતો અને જેનું આજે તેમણે જ લોકાર્પણ કર્યું હતું.

સુદર્શન સેતુ ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે. ફોર લેન બ્રિજની બંને સાઈડ પર અઢી મીટરનો પેડેસ્ટ્રિયન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે. જેને ‘આસ્થા સેતુ’ નામ આપવામાં આવ્યું છે. આ બ્રીજ પર ભગવદ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન કૃષ્ણની છબીઓથી શણગારવામાં આવ્યો છે.
સુદર્શન સેતુ ખુલ્લો મુક્યા બાદ તેઓ તેના ઉપર થોડો સમય ચાલ્યા હતા અને વિશેષતા નિહાળી હતી. આ સેતુના ઉદઘાટન પછી જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.
બેટ દ્વારકામાં દ્વારકાધીશની પૂજા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિત મહાનુભાવોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. બેટ દ્વારકામાં પીએમ મોદીએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દ્વારકાધીશની પૂજા-અર્ચના કરી હતી અને ભગવાન દ્વારકાધીશને થાળ ધર્યો હતો. તેમણે દ્વારકાધીશ મંદિરમાં પણ પૂજા કરી હતી.