રશિયા- યુક્રેન યુધ્ધમાં સુરતમાં હેમિલ માંગુકિયાનું મોત નીપજ્યું
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને બે વર્ષ પૂરાં થઇ ગયા છે ત્યાં એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. આ યુદ્ધમાં સુરતના એક યુવાને પણ જીવ ગુમાવ્યો છે. 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયા રશિયા રોજગાર માટે ગયો હતો. જેના મૃત્યુ થવાના અહેવાલ સામે આવ્યા છે.
યુવાન નોકરી માટે રશિયા ગયો હતો
અહેવાલો અનુસાર,એજન્ટ મારફતે નોકરી માટે રશિયા ગયેલા સુરતના 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત નીપજ્યુ છે. આ પહેલા એજન્ટ દ્વારા સુરતમાંથી લગભગ 12 જેટલા યુવાનો કામ માટે રશિયા ગયા હતા, જેમાં હેમિલ માંગુકિયા પણ સામેલ હતો. જો કે, આ રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં તેમનું મોત થયું હોવાનું કહેવાય છે.
રશિયા ગયેલા ભારતીય યુવાનો યુક્રેન સામે યુદ્ધ લડવા મજબૂર
રશિયામાં કેટલાક ભારતીયોને ‘હેલ્પર’ તરીકે કામ કરવા માટે રાખવામાં આવ્યા હતા પરંતુ હવે તેઓ યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર છે. ફસાયેલા મોટાભાગના મજૂરો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે,’ભારતીય દૂતાવાસ રશિયામાં ફસાયેલા નાગરિકોની વહેલી તકે છોડાવશે માટે રશિયન સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. કેટલાક ભારતીય નાગરિકોએ રશિયન સેનામાં ‘હેલ્પર’ તરીકે કામ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.’
રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ પૂરાં
ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને બે વર્ષ થઈ ચૂક્યા છે ત્યારે અમેરિકા સહિતના સાથી દેશોએ ફરી એકવાર રશિયા પર સકંજો કસતાં તેની સામે નવા પ્રતિબંધોની ગઈકાલે જ જાહેરાત કરી હતી. જ્યારે ભારતે આ યુદ્ધનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે અપીલ કરી હતી.
