મનપાનો બિલ્ડર ‘પ્રેમ’ ખુલ્લો થયો !
લોકોની ઓછી’ને ‘ધન'ના ઢગલામાં આળોટતાં લોકોની વધુ ચિંતા કે શું ?!
ખરીદેલા પ્લોટનું ૩ વર્ષમાં ચૂકવણું કરવામાં નિષ્ફળ રહેલા બિલ્ડરને વધુ એક મુદ્દત' આપી
સાચવી’ લેવાયા
તંત્રએ નાનામવા રોડ ઉપર ૧૧૮ કરોડમાં જ્યારે પ્લોટ વેચ્યો ત્યારે ક્લિયર' હતો, બાદમાં વારસદારો ઉભા થતાં મામલો ગુંચવાયો
ત્રણ વર્ષમાં આ પ્લોટની કિંમત અનેકગણી વધી ગઈ છતાં તેને જૂના ભાવે જ વેચવા તંત્ર મક્કમ, સોદો રદ્દ કરવાની જગ્યાએ આગલી સ્ટેન્ડિંગ સુધી દરખાસ્ત પેન્ડીંગ રખાઈ
રાજકોટ જ્યારે કોઈ બિલ્ડર તકલીફમાં મુકાય કે ભીંસમાં આવે એટલે તેના પ્રત્યે
કુણું’ વલણ રાખવા માટે જાણીતા મહાપાલિકાના પદાધિકારીઓનો બિલ્ડરપ્રેમ અત્યાર સુધી છૂપો હતો પરંતુ એક કિસ્સામાં બિલ્ડરને કરી આપેલી સગવડ'ને કારણે હવે તેનો આ પ્રેમ ખુલ્લો પડી ગયો છે ! ૨૦૨૧માં મહાપાલિકા દ્વારા નાનામવામાં આવેલા ૧૧૮ કરોડની કિંમતના સોનાની લગડી જેવા પ્લોટની હરાજી રાખવામાં આવી હતી. હરાજી થકી આ પ્લોટ ઓમ નાઈન સ્કવેર એલએલપીના ભાગીદાર ગોપાલ ચુડાસમા દ્વારા ખરીદવામાં આવ્યો હતો.
જો કે ત્રણ-ત્રણ વર્ષ વીતી જવા છતાં આ પ્લોટની કિંમતનું ચૂકવણું કરવામાં ન આવતા સોદો રદ્દ કરવાની દરખાસ્ત મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને કરવામાં આવી હતી. દરમિયાન આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ સોદો રદ્દ કરવાની જગ્યાએ બિલ્ડરને વધુ એક
મુદ્દત’ આપીને સાચવી' લેતાં તેને લઈને તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જાણકારો તો એવું પણ કહી રહ્યા છે કે જે પ્લોટનું ચૂકવણું ત્રણ વર્ષમાં ન થઈ શક્યું તેનું ૧૦ કે ૧૫ દિવસની અંદર કેવી રીતે થઈ જશે ? અત્યારે તો સ્ટેન્ડિંગ કમિટીએ આગલી સ્ટેન્ડિંગ બેઠક ન મળે ત્યાં સુધી દરખાસ્ત પેન્ડીંગ રાખી દીધી હોવાથી ત્યાં સુધીમાં ચૂકવણું થઈ જાય છે કે પછી વળી પાછું કોથળામાંથી બીલાડું નીકળે છે તે તો સમય જ બતાવશે પરંતુ પ્લોટ ખરીદનારને વધુ એક
સગવડ’ કરી અપાયાની વાત જગજાહેર થઈ ગઈ છે.
આશ્ચર્યની વાત તો એ છે કે તંત્રએ જ્યારે આ પ્લોટ વેચ્યો ત્યારે તે એકદમ `ક્લિયર’ હતો મતલબ કે તેના ઉપર કોઈ પ્રકારનો વિવાદ ન્હોતો પરંતુ જેવો સોદો થયો કે બે વારસદારો અચાનક સામે આવી ગયા અને તેનો હિત-હિસ્સો આ પ્લોટમાં રહેલો હોવાથી મામલો ગુંચવણમાં નાખી દીધો હતો જેનો ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી. આમ થવાથી બન્યું એવું કે ત્રણ વર્ષની અંદર આ પ્લોટની કિંમત અનેકગણી વધી ગઈ હોવાથી તંત્રની તીજોરીને નુકસાન જશે જ તે વાત નિશ્ચિત છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે કદાચ એવું પણ બની શકે કે પ્લોટ ખરીદનાર કદાચ આ પ્લોટનું ચૂકવણું પણ કરી આપે પરંતુ એ વાત અસ્થાને નથી કે આ પ્લોટનું ઉંચી કિંમતે ઝડપથી વેચાણ પણ કરી નાખે !!