વડાપ્રધાનના હસ્તે રાજકોટ- સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ
રૂ. ૧૩૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડબલ ટ્રેક પ્રોજેક્ટને કારણે રાજકોટ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર વધુ ઝડપી અને સરળ બનશે
રાજકોટ : રાજકોટ – સુરેન્દ્રનગર વચ્ચે રેલવે લાઈનનું ડબલ ટ્રેકિંગ કાર્ય પૂર્ણ થતા આગામી તા.25ના રોજ રાજકોટ ખાતેથી ડબલ ટ્રેક પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થનાર છે. આ ૧૧૬ કિલોમીટર લાંબી રેલવે લાઈન રૂ. ૧૩૫૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જે તૈયાર થતા રાજકોટને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે તેમજ અમદાવાદ તરફની ટ્રેનોની ઝડપ અને નિયમિતતામાં વધારો થશે. ઉપરાંત, સુરેન્દ્રનગરથી અમદાવાદ હયાત ડબલ ટ્રેકને લીધે રાજકોટ અને અમદાવાદ વચ્ચે સુદ્રઢ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત થશે.
વર્ષ ૨૦૧૬-૧૭માં રાજકોટ -સુરેન્દ્રનગર ડબલ ટ્રેક રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી, ત્યાર બાદ સુરેન્દ્રનગરથી શરૂઆત કરીને રાજકોટ સુધી અલગ અલગ સેક્શનને તબકાવાર સ્થાપિત કરવામાં આવ્યા છે. ૭.૦૪ કી.મી.ના સુરેન્દ્રનગર- ચામરાજ ખંડને જાન્યુઆરી ૨૦૧૯માં, ૭.૨૯ કી.મી.ના ચામરાજ દિગસર ખંડને ફેબ્રુઆરી ૨૦૨૦માં, ૧૦.૩૯ દલડી- વાંકાનેર ખંડને ઓક્ટોબર ૨૦૨૧માં, ૮ કી.મી.ના દીગસર-મૂળી રોડ ખંડને એપ્રિલ ૨૦૨૨માં, ૧૪.૩૭ વાંકાનેર- સિંધાવદર ખંડને જુન ૨૦૨૨માં, ૧૯.૩૪ કી.મી.ના સિંધાવદર- બિલેશ્વર તેમજ ૧૬.૬૬ કી.મી.ના મુળી રોડ- વાગડીયા ખંડને ઓક્ટોબર ૨૦૨૨માં, ૯.૧૫ કી.મી.ના બિલેશ્વર-રાજકોટ ખંડને ફેબ્રુઆરી ૨૦૨૩માં કમીશનીંગ માટે તૈયાર કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર- રાજકોટ ડબલ ટ્રેક ઉપરાંત રાજકોટથી આગળ કાનાલુસ સુધી ડબલ ટ્રેકનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્રને સુદ્રઢ રેલવે કનેક્ટિવિટીની ભેટ આગામી સમયમાં મળનાર છે.