અર્જુન પાર્ટી પ્લોટમાં નિવૃત શિક્ષકના પુત્રના રીસેપ્શનમાં રૂ.3.82 લાખની ચોરી
મહેમાનોએ આપેલ ગિફ્ટ તેમજ રોકડ અને દાગીના ભરેલ થેલો ચોરી યુવતી ફરાર
રાજકોટમાં લગ્ન પ્રસંગમાં મહેમાનોના સ્વાંગમાં ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. ત્યારે નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્નના મહેમાનનો સ્વાંગ રચી આવેલી યુવતીએ રીસેપ્શનમાં સ્ટેજ પાસેથી ગિફ્ટમાં આવેલ રૂા. ૩.૮ર લાખની મત્તા ભરેલો થેલો ચોરી કરી જતાં આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
એરપોર્ટ રોડ પર ગ્રીન પાર્કમાં રહેતા નિવૃત શિક્ષક વિલાસગીરી હેમગીરી ગોસ્વામીના મોટા પુત્ર અભીના લગ્નનું તા. ર૦ના રોજ રીસેપ્શન નવા ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આવેલા અર્જુન પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યું હતું. રીસેપ્શન રાત્રે 8:45 આસપાસ ચાલુ થયું હતું અને સ્ટેજ ઉપર વિલાસગીરી તથા પત્ની, પુત્ર અને પુત્રવધુ હતા અને મહેમાનો ગીફટ કવર લઇને આવતા જતા હતા તે ગીફટો તથા રોકડા રૂપિયા રાખેલા કવર પત્ની એક બેગમાં રાખતા હતા. આ બેગ સોફા પાસે મૂકી હતી. પરિવાર સ્ટેજ ઉપર મહેમાનોને મળવામાં વ્યસ્ત હતો ત્યારે પાડોશી ભરતભાઇ વાઘેલાએ વિલાસગીરીને બોલાવી જણાવ્યું કે, તમે મહેમાનને મળવામાં વ્યસ્ત હતા તે દરમ્યાન તમારી પાછળ ગીફટ કવર રાખેલું બેગ હતું તે એક છોકરી લઇને ભાગી ગઇ હતી. જેથી તપાસ કરતાં બેગ જોવા મળ્યું ન હતું.
ભરતભાઇએ તેનો પીછો કર્યો પરતું તે છોકરી દરવાજામાંથી નીકળી ભાગી ગઇ હતી. બાવાજી પરિવારે આસપાસ તપાસ કરતા છોકરી મળી આવી નહતી. આ બેગમાં ગીફટ તરીકે રોકડા રૂપિયા સાથેના કવર, ગીફટમાં આવેલ સોનાનું કળુ, એક જોડી સોનાની બુટી સહિત રૂા. ૩,૮ર,૦૦૦ની માલમતા હતી. આ બાબતે વિલાસગીરીના પુત્ર કરણે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા તાલુકા પોલીસ અર્જુન પાર્ટી પ્લોટ ખાતે સ્થળ પર પહોંચી હતી અને પોલીસ ફરિયાદ નોંધી હતી. તપાસ હાથ ધરી હતી.