ભારત-ઇંગ્લેન્ડનો ચોથો ટેસ્ટ મેચ રદ કરવા કોને આપી ધમકી..જુઓ
ઝારખંડની રાજધાની રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટ પહેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ઈંગ્લેન્ડની ટીમને મેચ રદ કરીને પરત ફરવાની ધમકી આપી છે. તેણે આ અંગે ઝારખંડના નક્સલવાદીઓને ઉશ્કેર્યા છે. પન્નુએ કહ્યું છે કે રાંચીમાં યોજાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ તાત્કાલિક રદ કરવી જોઈએ. આ મામલામાં રાંચીના ધુરવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
નક્સલવાદીઓના નામે જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તેણે કહ્યું છે કે રાંચીનું જેએસસીએ સ્ટેડિયમ આદિવાસીઓની જમીન પર બનેલું છે. મેચ આદિવાસીઓની જમીન પર ન થવી જોઈએ. પન્નુએ આ વીડિયો યુટ્યુબ પર રિલીઝ કર્યો છે. તેણે માઓવાદીઓને રાંચીમાં યોજાનારી ટેસ્ટ મેચ રદ કરાવવા માટે ઝારખંડ અને પંજાબમાં હંગામો મચાવવાનું કહ્યું છે.
પન્નુએ યુટ્યુબ દ્વારા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સને પણ ધમકી આપી છે. તેણે ઈંગ્લેન્ડના કેપ્ટનને ભારત પ્રવાસ કેન્સલ કરીને ટીમ સાથે પરત ફરવાનું પણ કહ્યું હતું. પન્નુની ધમકી મળ્યા બાદ ઝારખંડ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સ્ટેડિયમથી લઈને હોટલ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરપોર્ટથી હોટલ સુધી દરેક ખૂણે પોલીસ દળો તૈનાત છે. એરપોર્ટને પણ સિક્યોરિટી કોર્ડન હેઠળ લેવામાં આવ્યું છે.