હવે કોહલી બન્યો `ડિપફેક’નો શિકાર !
વાયરલ વીડિયોમાં કોહલી સટ્ટાબાજીને સમર્થન આપતો દેખાયો
પહેલાં અભિનેત્રી રશ્મિકા મંદાના, ત્યારબાદ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને તેની પુત્રી સારા તેંડુલલકરના ડીપફેક વીડિયોને કારણે હોબાળો મચી ગયો હતો. હવે વિરાટ કોહલીના એક વીડિયોનો ઉપયોગ કરીને ડીપફેક ટેક્નોલોજીથી નકલી જાહેરાતો બનવા લાગી છે ! જાહેરાતમાં એક સટ્ટાબાજી એપ્લીકેશનને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે સાથે સાથે દાવો પણ કરાયો છે કે કોહલી નાના રોકાણથી વધુ રિટર્ન મળે તેને સમર્થન આપે છે !
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં કોહલી હિન્દીમાં બોલતો અને સટ્ટાબાજી એપને સમર્થન આપતો જોવા મળી રહ્યો છે. વીડિયોને વધુ પણ પ્રામાણિક બતાવવા માટે તેમાં એક જાણીતા ટીવી પત્રકારને પણ સામેલ કરાયો છે જેના કારણે એવું લાગી રહ્યું છે કે આ જાહેરાત એક લાઈવ ન્યુઝ સેગમેન્ટનો હિસ્સો છે. જાહેરાતમાં દાવો કરાયો છે કે કોહલીએ ઓછામાં ઓછા રોકાણના માધ્યમથી મોટી કમાણી કરી છે.
સાયબર માફિયાઓએ કોહલીની એક ઈન્ટરવ્યુ ક્લિપને બદલવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. કોહલીના અસલી અવાજ સાથે પણ ચેડાં કરાયા છે. ઉલ્લેખનીય છે કે કોહલીએ ક્યારેય આ પ્રકારની સટ્ટાબાજીને સમર્થન આપ્યું નથી પરંતુ ડિફફેકમાં તે સમર્થન આપતો દેખાય છે !
જ્યારે અન્ય એક વીડિયોમાં કોહલીને અંગ્રેજીમાં અટકી અટકીને અમેરિકી સ્ટાઈલમાં બોલતો બતાવાયો છે. આ વીડિયોમાં ક્રિકેટર સાથે જુગાર એપ્લીકેશનની પેશકશ કરનાર એક ન્યુઝ એન્કરનો પણ ડીપફેક છે.