રાજકોટમાં મોસમની ડબલ ગેમ: બપોરે અસહ્ય ગરમી, રાત્રે અનુભવાતી ઠંડી
છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર: ડબલ ઋતુથી માંદગીના કેસો વધ્યા
રાજકોટમાં વહેલી સવારે અને મોડી રાત્રે વાતાવરણમાં ઠંડી અનુભવાઈ રહી છે પરંતુ છેલ્લા બે દિવસથી બપોરના સમયે પડતી આકરી ગરમીથી શહેરીજનો અકળાઈ ઉઠયા છે. છેલ્લા બે દિવસથી મહતમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી જતાં ઉનાળાના એંધાણ વર્તાઇ રહ્યા છે. તો બીજી તરફ ડબલ ઋતુને કારણે માંદગીના કેસ પણ વધ્યા છે.
રાજ્ય સહિત રાજકોટમાં પણ તાપમાનમાં ફેરફાર નોંધાયો છે. શનિવારે બપોરે તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચી જતાં જાણે ઉનાળો આવી ગયો હોય તેવો લોકોએ અનુભવ કર્યો હતો. મહતમ તાપમાનનો પારો ઉચકાતા અને ગરમીમાં વધારો થતાં લોકો ગરમીમાં શેકાયા હતા. રવિવારે પણ સવારથી જ વાતાવરણમાં ગરમીનું જોર વધ્યું હતું. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉચકાયો હોય જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવો લોકોએ અહેસાસ કર્યો હતો.
હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ અને તાપમાનનો પારો બપોરે 37 ડિગ્રીએ પહોંચી જતો હોય ઉનાળામાં કેવી ગરમી પડશે? તેવું વિચારીને જ લોકોને અત્યારથી પરસેવો વળી રહ્યો છે. બીજી તરફ વહેલી સવારે અને મોડી રાત્રિના વાતાવરણમાં ઠંડી અનુભવાઈ રહી છે. આમ ડબલ ઋતુને કારણે માંદગીના કેસો પણ વધ્યા છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાઈનો જોવા મળે છે.