રાજકોટમાં જોની બેરિસ્ટોના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
ભારત વિરુદ્ધ ૮મી વખત ૦ રને પેવેલિયન ભેગો થયો: અનેક પૂછડીયા બેટરોને પાછળ છોડી દીધા !
ઈંગ્લેન્ડના બેટર જોની બેરિસ્ટો માટે ભારતનો પ્રવાસ હજુ સુધી કંઈ ખાસ રહ્યો નથી. રાજકોટ ટેસ્ટમાં તો તે બીજી ઈનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યો ન્હોતો. આ સાથે જ તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. જોની ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વખત ૦ પર આઉટ થનારો ખેલાડી બન્યો છે. તેણે આ મામલે દુનિયાભરના પૂછડીયા બેટરોને પાછળ છોડી દીધા છે ! જોની ભારત વિરુદ્ધ ૮મી વખત શૂન્ય રને પરત ફર્યો છે.
આ યાદીમાં જોની બેરિસ્ટો બાદ પાકિસ્તાનનો પૂર્વ સ્પીનર દાનિશ કનેરિયા અને ઓસ્ટે્રલિયાનો નાથન લાયન છે. જ્યારે ૬ ડક સાથે વિન્ડિઝનો મર્વિન ડિલન, ઓસ્ટે્રલિયાનો શેન વૉર્ન અને ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે. રાજકોટ ટેસ્ટમાં જોની બેરિસ્ટો ૪૧મી ઓવરના ચોથા દડે કુલદીપ યાદવની બોલિંગમાં એલબીડબલ્યુ થયો હતો. કુલદીપે ફેંકેલો દડો એકદમ ધારદાર હતો જેને જોની સમજી જ શક્યો ન્હોતો
બેન ડકેટે રચ્યો ઈતિહાસ
ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટર બેન ડકેટે ભારત વિરુદ્ધ એક મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. ભારતમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચમાં વર્ષ ૨૦૦૦ બાદ પહેલો એવો બેટર બન્યો છે જેરે ૧૫૦થી ઓછા દડામાં ૧૫૦ રનનો આંકડો પાર કર્યા છે. તેણે પોતાની જ ટીમના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનને પાછળ છોડ્યો છે. બેન ડકેટ પહેલાં કોઈ પણ બેટર ભારતમાં આટલા ઓછા દડામાં ૧૫૦ રન એક ઈનિંગમાં બનાવી શક્યો નથી.
ભારતમાં રવીન્દ્રની ૨૦૦ વિકેટ પૂરી
રવીન્દ્ર જાડેજાએ રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને આઉટ કરીને ભારતમાં પોતાની ૨૦૦મી ટેસ્ટ વિકેટ મેળવી છે. આ સાથે જ રવીન્દ્ર ભારતની ધરતી પર ૨૦૦ વિકેટ લેનારો પાંચમો ભારતીય બોલર બન્યો છે. રવીન્દ્રએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ઈનિંગમાં બે વિકેટ લીધી હતી.