ચોંકશો નહિ: પર્સનલ લોનની બેન્ક ક્રેડિટ 13.3 લાખ કરોડ પર પહોંચી ગઈ
લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ બેન્કોમાં લોન રિસ્ક વધી રહ્યું છે
કોરોના કાળમાં અને ત્યાર પછીના થોડા સમય સુધી લોનની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી પરંતુ ત્યારબાદ લોકોએ અને નાના-મોટા ધંધાર્થીઓએ મનભરીને લોન લીધી હતી. ખાસ કરીને પર્સનલ લોનનો આંકડો આપણને સૌને ચોંકાવી દે તેવો નીકળ્યો છે. જો કે પર્સનલ લોન લઈને લોકોએ ધૂમ ખરીદી પણ કરી છે.
તમને એ જાણીને નવાઈ લાગશે કે પર્સનલ લોન માટેની બેન્ક ક્રેડિટ 2023ના ડિસેમ્બર સુધી 23 ટકા જેટલી વધીને 13.3 લાખ કરોડ પર પહોંચી ગઈ હતી. વ્યક્તિગત લોન (હોમ લોન, કન્ઝ્યુમર લોન અને ઓટો લોન) સેગમેન્ટમાં કુલ લોન 28.5 ટકાથી વધીને 51.7 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
આ આંકડા જોઈને રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્તે બેન્કોને એલર્ટ કરી દીધી છે અને એમનું માનવું છે કે, બેન્કિંગ સેક્ટરમાં લોન રિસ્ક વધી રહ્યું છે. ડિઝિટલ બેન્કિંગ એકમોને વધુ પ્રોત્સાહન આપવાની પણ એમણે વાત કરી હતી.
લગ્નગાળો ફરી પૂર બહારમાં દેશમાં ખિલવાનો છે ત્યારે પર્સનલ લોનની ટકાવારીમાં ફરી વધારો થવાની ગણતરી રાખવામાં આવી રહી છે અને ઉપરોક્ત ટોટલ આંકડામાં ખૂબ જ વધારો થઈ શકે છે. લોકો પર્સનલ લોન લઈને વાહન સહિતની ચીજો ખરીદે છે. આ પ્રક્રિયા આગામી સમયમાં પણ ચાલુ રહી શકે છે.
થોડા સમય પહેલા પણ રિઝર્વ બેન્કના ગવર્નર દ્વારા બેન્કોને લોનની બાબતમાં સાવધાન રહેવાની શિખામણ આપવામાં આવી હતી. બેન્કોની નાણાંકીય સ્થિતિ બગાડે નહિ તે માટે સમજદારી પૂર્વક સંચાલન કરવાની જરૂર છે.