ન્યુઝીલેન્ડે આફ્રિકા સામે એક જ દિ’માં ફેંકી ૨૯ મેડન ઓવર
૮૯ ઓવરમાં આફ્રિકા માત્ર ૨૨૦ રન જ બનાવી શક્યું
ન્યુઝીલેન્ડ-આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીનો બીજો મુકાબલો હૈમિલ્ટનમાં રમાઈ રહ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૫ના ચક્ર હેઠળ રમાઈ રહેલી આ શ્રેણીના બીજા મુકાબલાના પ્રથમ દિવસે આફ્રિકી ટીમ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરી હતી. ન્યુઝીલેન્ડની ટીમ ચાર ફાસ્ટ બોલરો સાથે ઉતરી હતી. પહેલા દિવસે ૮૯ ઓવર ફેંકાઈ હતી જેમાંથી ૨૯ ઓવર મેડન રહી હતી મતલબ કે ૨૯ ઓવરમાં એક પણ રન બન્યો ન્હોતો.
આફ્રિકાએ પ્રથમ દિવસે ૮૯ ઓવરમાં ૬ વિકેટે ૨૨૦ રન બનાવ્યા હતા. ૨૯માંથી ૮ ઓવર રચિન રવીન્દ્રએ મેડન ફેંકી હતી જે એક પાર્ટ ટાઈમ બોલર છે. ખાસ વાત એ રહી કે પહેલી મેચમાં ડબલ સેન્ચુરી બનાવનારા રચિને આ મેચમાં બોલિંગમાં પણ કમાલ બતાવી હતી. તેણે આફ્રિકાના ત્રણ બેટરોને આઉટ પણ કર્યો હતા. તેના ઉપરાંત સાઉધીએ ત્રણ, નીલ વેગનરે ૬ અને મેટ હેનરીએ પાંચ તો પહેલી ટેસ્ટ રમી રહેલા વિલિયમ ઓરરકીએ ત્રણ મેડન ઓવર ફેંકી હતી. પ્રથમ દિવસની રમતના અંતે આફ્રિકાનો રુઆન ડિસ્વાર્ટ ૧૩૫ દડામાં ૫૫ રન બનાવીને અણનમ રહ્યો છે.