મણિશંકર ઐયરે ફરી બાફ્યુ, જુઓ શું કહ્યું
ભારત સર્જીકલ સ્ટ્રાઈક કરે છે પણ વાત કરવાની હિંમત નથી
લાહોરમાં નરેન્દ્ર મોદીની ટીકા સાથે જ પાડોશી દેશના પેટભરીને વખાણ કર્યા.
પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે ફરી એકવાર પાકિસ્તાનની પ્રસંશા કરી છે. તાજેતરમાં લાહોરમાં આયોજિત એક કાર્યક્રમમાં એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાંની સાથે જ પાડોશી દેશના પેટભરીને વખાણ કર્યા હતા. આ સાથે જ કોંગ્રેસના નેતાએ એમ પણ કહ્યું કે ‘ભારત પાસે સર્જિકલ સ્ટ્રાઈકની હિંમત છે, પરંતુ વાતચીત માટે નહીં. ‘
ભૂતકાળમાં પણ જ્યારે તેઓ પાકિસ્તાન ગયા છે ત્યારે એમને વિવાદિત નિવેદનો આપ્યા છે. આ વખતે, ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારીએ કહ્યું કે અન્ય કોઈપણ દેશ કરતા પાકિસ્તાનમાં તેમનું વધુ ખુલ્લા દિલથી સ્વાગત કરવામાં આવ્યું છે. સાથે જ પાકિસ્તાનીઓથી નારાજ થઈને તેમણે પાકિસ્તાન સાથે વાત કરવાનો ઈન્કાર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.
એક અહેવાલ અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાન સાથે વાત ન કરવાની પીએમ મોદીની નીતિને મોદી સરકારની ‘સૌથી મોટી ભૂલ’ ગણાવતા કહ્યું હતું કે ‘કોંગ્રેસ અને ભાજપની સરકાર દરમિયાન ઈસ્લામાબાદમાં પાંચ ભારતીય હાઈ કમિશનર હતા અને પાંચેય માનતા હતા કે ગમે તેટલા મતભેદો હોય, આપણે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ. છેલ્લા 10 વર્ષમાં અમે જે સૌથી મોટી ભૂલ એ કરી છે કે અમે વાત નથી કરી રહ્યા. અમારી પાસે તમારી સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હિંમત છે, પરંતુ બેસીને વાત કરવાની અમારી હિંમત નથી.’
આ પહેલીવાર નથી કે જ્યારે અય્યરે બેસીને વાતચીત કરવા મુદ્દે પીએમ મોદી પર સવાલો ઉઠાવ્યા હોય. ગયા વર્ષે ઓગસ્ટમાં તેમણે કહ્યું હતું કે, ‘પીએમ મોદી પહેલા દરેક વડાપ્રધાને પાકિસ્તાન સાથે કંઈક વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ હવે તે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.’
આગળ એમને કહ્યું હતું કે, ‘મારો અનુભવ કહે છે કે પાકિસ્તાનીઓ કદાચ બીજી બાજુ વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. જો આપણે મૈત્રીપૂર્ણ હોઈશું તો તેમનું વર્તન ખૂબ જ મૈત્રીપૂર્ણ હશે અને જો આપણે પ્રતિકૂળ હોઈશું તો તેમનું વર્તન ખૂબ જ પ્રતિકૂળ હશે.’ આ રીતે અય્યરે ભારતની નીતિ પર જ સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે જ ભાષણ દરમિયાન એમને પાકિસ્તાનીઓને ‘ભારતની સૌથી મોટી સંપત્તિ’ ગણાવી હતી.