અબુધાબીનાં BAPS મંદિરમાં યોજાયો વિશ્વ સંવાદિતા યજ્ઞ..જુઓ
- ફેસ્ટીવલ ઓફ હાર્મની થીમ હેઠળ કાર્યક્રમમાં હજારો ભક્તો ઉલ્લાસભેર જોડાયા
- કાલે વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લું મુકાશે હિંદુ મંદિર
અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર બનીને તૈયાર છે. બીએપીએસ દ્વારા નિર્માણ પામેલ આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ઉદ્દઘાટન તારીખ ૧૪મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુ પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા કરવામાં આવશે. જે અંતર્ગત ‘ફેસ્ટીવલ ઓફ હાર્મની’ થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
દરમિયાન આજે પ્રાતઃ કાળે સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા શુભ સંકલ્પો સાથે 980 કરતાં વધુ ભક્તો ભાવિકો વૈદિક ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં જોડાયા હતા. BAPS હિંદુ મંદિર, અબુ ધાબીના 14 ફેબ્રુઆરીના રોજ થનાર ઐતિહાસિક ઉદ્દઘાટન નિમિત્તે આયોજિત પ્રેરણાદાયી કાર્યક્રમોની વિશિષ્ટ શૃંખલા – ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાચીન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે યજ્ઞવિધિને શક્તિશાળી ભક્તિ અર્ધ્ય ગણવામાં આવે છે. મધ્ય પૂર્વના દેશોમાં સૌપ્રથમ કહી શકાય તેવા આ યજ્ઞમાં અનેકવિધ મહાનુભાવો, આધ્યાત્મિક ગુરુઓ અને સ્થાનિક કોમ્યુનિટીના અગ્રણીઓએ જોડાઈને યુ. એ. ઇ. અને સમગ્ર વિશ્વમાં સૌની શાંતિ, સંવાદિતા અને સફળતા માટે પ્રાર્થના વ્યકત કરી હતી.
ભક્તો-ભાવિકો આજના યજ્ઞ વિધિ પ્રસંગે યજમાન પદે માંગલિક વસ્ત્રોમાં સજ્જ થયા હતા. ભારતથી પધારેલા સાત નિષ્ણાત પુજારીઓએ આ યજ્ઞમાં પ્રાચીન વૈદિક વિધિ વિધાન દ્વારા સર્વે યજમાનોને આહુતિ અને વેદમંત્રો દ્વારા પવિત્ર વિચારો અને સદગુણી જીવન માટે પ્રતિબદ્ધ કર્યા હતા અને અનોખા ઐતિહાસિક વાતાવરણનું સર્જન થયું હતું. પૂજારીઓની સાથે સાથે ૨૦૦ જેટલાં સ્વયંસેવકો યજ્ઞવિધિનું સંચાલન કરવામાં સહભાગી થયા હતા.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિરના નિર્માણકાર્યનું સંચાલન કરી રહેલાં સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું, “ભારતની બહાર આ પ્રકારનો વિશિષ્ટ મહત્વ ધરાવતો યજ્ઞ ભાગ્યે જ યોજાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેને વારંવાર દ્રઢ કરાવે છે, તેવા વૈશ્વિક એકતાના સંદેશને યજ્ઞ દ્વારા અપાયેલી આ વિશિષ્ટ અંજલિ છે. આજે પ્રાતઃ કાળે યોજાયેલા યજ્ઞમાં થયેલી શાંતિ અને સહ અસ્તિત્વની અનુભૂતિને આ મંદિર આગામી અનેક પેઢીઓ સુધી દ્રઢ કરાવ્યા કરશે.”
કાર્યક્રમોની રૂપરેખા
તારીખ 14.02.2024
કાર્યક્રમ ૧: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
સમય: અબુ ધાબી સમય પ્રમાણે સવારે 7:15 થી 8:15
(ભારતીય સમય પ્રમાણે સવારે 9:15 થી 10:15)
કાર્યક્રમ ૨ : જાહેર લોકાર્પણ સમારોહ
સંધ્યા કાર્યક્રમ સભા: સાંજે 4:30 થી 8:20
(ભારતીય સમય પ્રમાણે સાંજે 6 થી 9:50)
તારીખ: 15.02.2024
સંધ્યા કાર્યક્રમ સભા: સંવાદિતા દિન
સમય: સાંજે 6 થી 8
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તારીખ: 16.02.2024
સંધ્યા કાર્યક્રમ સભા: સભ્યતા દિન
સમય: સાંજે 6 થી 8
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તારીખ: 17.02.2024
સંધ્યા કાર્યક્રમ સભા: શાંતિ દિન
સમય: સાંજે 6 થી 8
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તારીખ: 18.02.2024
મંદિર નોંધાયેલા મુલાકાતીઓ માટે સવારે 9 થી 12 વાગ્યા સુધી ખુલશે.
(ભારતીય સમય પ્રમાણે સવારે 10:30 થી 1:30)
સંધ્યા કાર્યક્રમ સભા: કૃતજ્ઞતા દિન
સમય: સાંજે 6 થી 8
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તારીખ: 19.02.2024
સંધ્યા કાર્યક્રમ સભા: મૂલ્યોનો દિન
સમય: સાંજે 6 થી 8
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તારીખ 20.02.2024
કાર્યક્રમ : કીર્તન આરાધના
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તારીખ 21.02 2024
કાર્યક્રમ : પ્રેરણા દિન – મહિલા સભા
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)