૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનાં જ્યોતિ તીર્થના શિલાન્યાસ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ટંકારામાં
દિલ્હીથી હીરાસર એરપોર્ટ પહોચ્યા બાદ હેલીકોપ્ટરમાં ટંકારા જશે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત
રાષ્ટ્રપતિના આગમનને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં દોડધામ
રાષ્ટ્રપતિના આગમનને લઈને હોસ્પિટલમાં સ્પેશીયલ રૂમ તૈયાર કરાયો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજકોટ આવી રહ્યા છે અને રાજ્યપાલ પણ રાજકોટમાં જ રોકાણ કરી રહ્યા છે ત્યારે કોઈ પણ પરિસ્થતિ ઉભી થાય તેવા સંજોગોમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખાસ રૂમ તૈયાર કરાયો છે. સિવિલનાં પી.એમ.એસ.એસ.વાય બિલ્ડીંગમાં પાંચમાં માળે પાંચ ડોકટરો સતત ખડેપગે રહેશે અને રૂમમાં વેન્ટીલેટર અને આઈ.સી.યુ. સહીતની સુવિધા ઉભી કરવામાં આવી છે.
વિશ્વ વિભૂતિ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મ જયંતી અન્વયે ટંકારા ખાતે ચાલી રહેલા ભવ્યાતિભવ્ય જન્મોત્સવ-સ્મરણોત્સવ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ટંકારા આવી રહ્યા છે. ટંકારામાં ૨૫૦ કરોડના ખર્ચે આકાર લેનારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનાં જ્યોતિ તીર્થની શિલાન્યાસ વિધિ રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે દિલ્હીથી હીરાસર એરપોર્ટ આવી પહોચશે અને ત્યાંથી ૧૧-૩૦ વાગ્યે હેલીકોપ્ટર મારફત ટંકારા જવા રવાના થશે. એરપોર્ટ ઉપર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વગેરે તેમને આવકારશે.
રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં છેલ્લા કેટલાક દિવસથી દોડધામ ચાલી રહી છે. હીરાસર એરપોર્ટ ઉપરાંત ટંકારા સુધીના હાઈ-વે ઉપર પેટ્રોલિગ ચાલુ છે અને ટંકારામાં પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે.
ટંકારામાં ૧૫ એકર વિસ્તારમાં બનનારા જ્ઞાન જ્યોતિ તીર્થનો રાષ્ટ્રપતિ શિલાન્યાસ કરશે. આ પૂર્વે સવારે ૯-૩૦ કલાકે ધર્મસભા યોજાશે.
આ વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
રાષ્ટ્રપતિના બંદોબસ્ત માટે પોલીસ કાફલો ખડકાયો
રાષ્ટ્રપતિના આગમનને લઈને પોલીસ તંત્રમાં દોડધામ ચાલી રહી છે. સમગ્ર પંથકમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને જ્યાં રાષ્ટ્રપતિ આવવાના છે ત્યાં ટંકારામાં પણ ૩૫૦ જેટલા પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ડીજીપી વિકાસ સહાય ઉપરાંત રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ,ડી.આઈ.જી. અશોક યાદવ, મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠી અને અન્ય આઈ.પી. એસ. અધિકારીઓ સમગ્ર વ્યવસ્થા સાંભળી રહ્યા છે.
