લીડર તરીકે ખેલાડીઓનો ભરોસો જીતવો જરૂરી: ધોની
જ્યાં સુધી ખેલાડીઓને સમજી નહીં શકો ત્યાં સુધી ભરોસો નહીં જીતાય
ભારતીય ટીમના વર્લ્ડકપ વિજેતા પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીનું કહેવું છે કે લીડર તરીકે તમારે તમારા ખેલાડીઓનું માન જાળવવું જરૂરી હોય છે. જ્યાં સુધી તમે ખેલાડીઓને નહીં સમજી શકો ત્યાં સુધી તેમનો ભરોસો જીતવો કપરો છે. સિંગલ આઈડી કંપનીના એક કાર્યક્રમમાં ધોનીએ કહ્યું કે ખેલાડીઆ તરફથી તમને માન ત્યારે જ મળે છે જ્યારે તમે તેનું માન જાળવો છો. માન મેળવવાની કોશિશ ન કરવી જોઈએ.
ધોનીએ કહ્યું કે મને હંમેશા લાગે છે કે લીડર તરીકે સામેથી સમ્માન મળે તે મહત્ત્વનું હોય છે કેમ કે સમ્માન ખુરશી અથવા પદ સાથે નથી આવતું. આ તમારો હાવભાવ કેવો છે તેના પરથી આવે છે. આ માટે ડે્રસિંગ રૂમમાં પ્રત્યેક ખેલાડીની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. અમુક લોકોને દબાણ પસંદ હોય છે તો અમુક લોકોને દબાણ પસંદ હોતું નથી. એક વખત તમે ખેલાડીની નબળાઈ પારખી જશો એટલે પછી તેને દૂર કરવાના કામમાં જ લાગી જશો.
આમ કરવાથી ખેલાડીનો આત્મવિશ્વાસ વધશે અને તે પોતાના ઉપર જ શંકા કરવાનું બંધ કરી દેશે. કેપ્ટન અને કોચનું કામ એ જાણવાનું હોય છે કે તેઓ કયા ખેલાડી માટે શું કામ કરી રહ્યા છે.