સાઉથ ઈન્ડિયન ફૂડ સાથે રાજકોટીયન્સની જીભની પાક્કી દોસ્તી !!
નાસ્તો ગણો, બપોરનું ભોજન ગણો કે રાતનું ખાણું ગણો…સાઉથ ઈન્ડિયન ઓલવેઝ બેસ્ટ'
શહેરમાં અંદાજે ૫૦ વર્ષ પહેલાં બે લોકોએ કરાવ્યો'તો પહેલો ટેસ્ટ
પેપર-સાદા-ઉત્તપમ-મૈસુર સહિતના ઢોસા તો ખાધે ન ખૂટે તેટલી વેરાયટીમાં મળતી ઈડલી સાથે સાથે
વેરિયેશન’નો ખજાનો' પણ બજારમાં ઉપલબ્ધ પેટા: માનવામાં આવે ? શહેરમાં ૧૦૦૦ જેટલી નાની-મોટી દુકાનમાંથી ૧૫૦૦ જેટલી પ્લેટનું થાય છે વેચાણ !
રાજકોટ એક સમય હતો જ્યારે રાજકોટની સવાર માત્રને માત્ર ગાંઠિયા-જલેબીથી જ પડતી હતી...હજુ આ સિલસિલો બંધ નથી થયો પરંતુ હવે લોકો પણ સવારના નાસ્તામાં અન્ય રાજ્યની જેમ બીજી વેરાયટી ખાવા તરફ વળ્યા છે. નાસ્તો જ કેમ, બપોરનું લંચ અને રાતના ડીનરમાં પણ એક એવી વાનગી છે જે સપ્તાહમાં એકાદ-બે વખત લોકો ન ખાય તો તેને સુક્કું સુક્કું લાગે છે !! આ વાનગી બીજી કોઈ નહીં બલ્કે સાઉથ ઈન્ડિયન છે...એકંદરે સાઉથ ઈન્ડિયન ફૂડ સાથે રાજકોટીયન્સની જીભની દોસ્તી એટલી હદે પાક્કી થઈ ગઈ છે કે વાત પૂછો નહીં ! આમ તો એવી કોઈ વાનગી નહીં હોય જે બીજે મળતી હોય અને
આપણા રાજકોટ’માં ન મળતી હોય પણ જ્યારે સાઉથ ઈન્ડિયન ફૂડની વાત આવે એટલે કદાચ અન્ય શહેર કરતા અહીં એકાદ-બે વેરાયટી વધુ જ મળતી હશે.
આ પાછળ અહીંના લોકોને નવું-નવું જમવાના અભરખાંને જ કારણભૂત ગણી શકાય. રાજકોટમાં સાઉથ ઈન્ડિયન ફૂડ વેચાશે અને ચાલશે જ તેની ગેરંટી કોઈ પાસે ન્હોતી આમ છતાં બે લોકોએ અંદાજે ૫૦ વર્ષ પહેલાં તેનું વેચાણ શરૂ કરવાનું ડેરીંગ' કર્યું હતું અને તેમાં સફળતા પણ મેળવી હતી. આ પછી તો પૂછવું જ શું ? એક પછી એક નાની-મોટી દુકાનો શરૂ થવા લાગી અને અત્યારે રાજકોટ
સાઉથ ઈન્ડિયન ફૂડયુક્ત’ બની ગયું છે…!
શહેરમાં અત્યારે પેપર ઢોસા, સાદા ઢોસા, ઉત્તપમ, મૈસુર સહિતના ઢોસા તો મળી રહ્યા છે સાથે સાથે ફેન્સી ઢોસા'નો ખજાનો પણ બજારમાં ઉપલબ્ધ છે. આ જ રીતે ખાધે ન ખૂટે એટલી વેરાયટીમાં ઈડલી મળી રહી છે જે નાના બાળકથી લઈ મોટેરાને ખૂબ જ પસંદ પડી રહી છે. તમને માનવામાં નહીં આવે કે રાજકોટમાં અત્યારે ૧૦૦૦ જેટલી નાની-મોટી સાઉથ ઈન્ડિયન ફૂડની દુકાન છે જ્યાંથી ૧૫૦૦થી વધુ પ્લેટનું વેચાણ થઈ જાય છે. રાજકોટમાં તમને કોઈ એવો વિસ્તાર નહીં મળે જ્યાં સાઉથ ઈન્ડિયન ફૂડની એક એકથી ચડિયાતી ડીશ ઉપલબ્ધ ન હોય...લોકો રૂબરૂ જઈને ગરમાગરમ ફૂડ ખાવાનું પસંદ કરે જ છે સાથે સાથે પાર્સલનો
ઉપાડ’ પણ એટલો જ હોય છે.
લગ્નમાં સાઉથ ઈન્ડિયન ફૂડ ન હોય તો મહેમાનોને નથી આવતી મજા'
સાઉથ ઈન્ડિયન ફૂડનો લોકોને ચસ્કો એવો લાગી ગયો છે કે કોઈને ત્યાં લગ્નપ્રસંગ હોય અને તેમાં પણ ખાસ કરીને ખીસ્સું ભારે હોય તેવા યજમાનનો પ્રસંગ હોય એટલે સ્વાભાવિક પણે તેણે ભોજનના મેન્યુમાં લગભગ દરેક પ્રકારની વાનગીઓ સામેલ કરી હોય છે. જો વાનગીઓના આ લીસ્ટમાં સાઉથ ઈન્ડિયન ફૂડ ન હોય એટલે મહેમાનોને
મજા’ આવતી હોતી નથી તેવો સિલસિલો ઘણા સમયથી જોવા મળી રહ્યો છે એટલા માટે હવે આ ફૂડનું વેચાણ કરતા ધંધાર્થીઓને લગ્ન સહિતના પ્રસંગના એટલા જ ઑર્ડર મળી રહ્યા છે.
અમે કેમ રહી જઈએ ? ગુજરાતીઓ પણ સાઉથ ઈન્ડિયન ફૂડના ધંધામાં વળ્યા
એક સમય હતો જ્યારે ઈડલી-ઢોસા સહિતની સાઉથ ઈન્ડિયન વાનગીઓનું વેચાણ માત્રને માત્ર ઉત્તર ભારતના રાજ્યોમાંથી આવેલા લોકો જ કરતા હતા પરંતુ સમય પસાર થતો ગયો અને `ઉપાડ’ વધતો ગયો તેમ તેમ ગુજરાતીઓ પણ આ ફૂડના વ્યવસાય તરફે વળ્યા છે અને અત્યારે ઘણાખરા લોકો આ વ્યવસાયથી ખાસ્સી કમાણી પણ કરી રહ્યા છે.
બાળકોના લંચબોક્સમાં ઈડલી-ઢોસા તો મોટેરાના ટિફિનમાં આ વાનગી પીરસાવા લાગી
ફટાફટ બની જતાં ઈડલી-ઢોસા તમામ ઉંમરના લોકોમાં ફેવરિટ બની ગયા છે. ખાસ કરીને બાળકોના લંચ બોક્સમાં ઈડલી-ઢોસા પીરસવામાં આવે છે એવી જ રીતે મોટેરાના ટિફિનમાં પણ હવે સાઉથ ઈન્ડિયન વાનગીઓ પીરસાવા લાગી છે.
ફેન્સી ઢોસાની પણ વણઝાર
રાજકોટમાં અત્યારે ફેન્સી ઢોસાની પણ ખાસ વણઝાર જોવા મળી રહી છે. લોકોના ટેસ્ટ પ્રમાણે ધંધાર્થીઓ ફેન્સી વાનગી બનાવી રહ્યા છે. ફેન્સી ઢોસાની વાત કરીએ તો તેમાં પાલક, પાઈનેપલ, પનીર, ચીઝ-બટર, સ્પ્રીંગ સહિતના ઢોસા બજારમાં ઉપલબ્ધ છે તો ગ્રેવીયુક્ત ઈડલી, તેલમાં તળાયેલી ઈડલી સહિતની વિવિધ ઈડલી ડિશ પણ સરળતાથી મળી રહી છે.
સંભાર એક જ રહ્યો, ચટણીમાં ઉમેરો થતો ગયો
રાજકોટમાં જ્યારથી ઈડલી-ઢોસાનું વેચાણ થઈ રહ્યું છે ત્યારથી લઈ આજ સુધી સંભાર એક જેવો જ રહ્યો છે જેની સામે ચટણીમાં વેરિયેશન આવતું ગયું છે. આમ તો સંભાર અને ટોપરાની ચટણી અપાતી હોય છે પરંતુ હવે અમુક જગ્યાએ ટમેટાની ચટણી તો અમુક જગ્યાએ લસણની ચટણી તો વળી અમુક જગ્યાએ ખજુર સહિતની ચટણી સાથે સાઉથ ઈન્ડિયન ફૂડ પીરસાય છે.
સાઉથ ઈન્ડિયન ફૂડ સાથે છાશ ? આ ગજું ગુજરાત જ કરી શકે !!
દાળ-ભાત-શાક હોય કે પછી ચાઈનીઝ-પંજાબી ફૂડ હોય કે પછી કોન્ટીનેન્ટલ ફૂડ લઈ લો કે સાઉથ ઈન્ડિયન ફૂડ લઈ લ્યો ગુજરાતીઓને છાશ જોઈએ એટલે જોઈએ જ…આ જ રીતે ઈડલી-ઢોસાની બે-ત્રણ પ્લેટ દાબ્યા બાદ છાશના એક-બે ગ્લાસ પીવામાં આવી રહ્યા છે ત્યારે જાણકારોની માનીએ તો તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ ગજું આપણાં ગુજરાતી જ કરી શકે હો…!