ઉત્તરાખંડ અર્ધ લશ્કરી દળોને હવાલે, વાંચો કારણ
અત્યાર સુધીમાં ૬નાં મોત : ઈન્ટરનેટ સ્થગિત, શાળાઓ બંધ, શૂટ એટ સાઇટ ઓર્ડર
ગેરકાયદે મદરેસા અને મસ્જિદ તોડી પાડવાને લઈને હિંસા ફાટી નીકળ્યા બાદ ઉત્તરાખંડના હલ્દવાનીમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાજ્યના એડીજી કાયદો અને વ્યવસ્થા એપી અંશુમને જણાવ્યું હતું કે હિંસાગ્રસ્ત બાનભૂલપુરામાં ૬ લોકોના મોત થયા હતા અને 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.આ ઘટનાને પગલે પગલે સમગ્ર ઉત્તરાખંડમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અર્ધ લશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
બાણભૂલપુરા વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને લોકોને ઘરની અંદર રહેવાની સૂચના આપવામાં આવી છે. શહેરમાં દવાખાના અને દવાની દુકાનો સિવાય બધુ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. શાળાઓ, ઓફિસો અને બજારો સંપૂર્ણપણે બંધ છે. શહેરમાં પેટ્રોલ પંપ પણ બંધ છે.
હલ્દવાનીના બાનભૂલપુરામાં હિંસા બાદ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. નૈની તાલ જિલ્લા પ્રશાસને પણ તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે આજે હલ્દવાનીમાં ક્યાંયથી હિંસાના સમાચાર નથી. કર્ફ્યુ વચ્ચે તણાવ યથાવત છે.