આજે મ્યુનિ. બજેટને મંજૂરી આપશે સ્ટે.કમિટી વેરા વધારા પર `કાતર’ નિશ્ચિત
પ્રજાની કેડે ૧૭.૭૭ કરોડનો વેરો નાખવાની `હિંમત’ શાસકો કરે તેવી શક્યતા નહિવત્
પાણીવેરો-કચરો એકઠો કરવાનો ચાર્જ-ખુલ્લા પ્લોટ પરનો ટેક્સ હાલ પૂરતો ન વધારાય તેવી શક્યતા
અનેક નવી યોજનાઓનો `કલર’ જરૂર પૂરાશે
ચૂંટણીમાં સેફ'ગણાતાં રાજકોટમાં પ્રજાને
મોહી’ લેવામાં કોઈ કચાશ ન રહી જાય તેનો બજેટમાં રખાશે પૂરો ખ્યાલ
તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા ૧૭.૭૭ કરોડના વેરા વધારા સાથેનું ૨૮૧૭ કરોડ રૂપિયાના કદનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. આ બજેટનો એકાદ સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે. જો કે મ્યુ.કમિશનરે સુચવેલા વેરા વધારા ઉપર કાતર' ફરવાનું નિશ્ચિત મનાય રહ્યું છે.
આ ઉપરાંત લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપાના શાસકો દ્વારા બજેટમાં અનેક યોજનાઓનો
કલર’ જરૂર પૂરવામાં આવશે ત્યારે આ કલર' લોકોને કેટલો આકર્ષી શકે છે તે તો બજેટ જાહેર થયા બાદ જ ખ્યાલ આવી શકશે. મ્યુનિ.કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં પાણીવેરો, ડોર ટુ ડોર કચરો એકઠો કરવાનો ચાર્જ, ખુલ્લા પ્લોટ પરનો ટેક્સ સહિતનો વેરા વધારો ઝીંક્યો હતો. આ વધારાનું કદ ૧૭.૭૭ કરોડ જેટલું થવા જાય છે પરંતુ ચૂંટણીનું વર્ષ હોવાને કારણે આ વેરો પ્રજાની કેડે નાખવાની
હિંમત’ શાસકો કરે તેવી શક્યતા નહીંવત્ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આમ તો લોકસભા ચૂંટણીમાં રાજકોટ અત્યંત સેફ' મતલબ કે સુરક્ષિત માનવામાં આવે છે આમ છતાં બજેટ થકી લોકોને
મોહી’ લેવામાં કોઈ જ કચાશ ન રહી જાય તેનો પૂરો ખ્યાલ રાખશે.
અત્રે એ વાત પણ નોંધનીય છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સાકાર થઈ શકે તેવી યોજનાઓ જ જાહેર કરવામાં માને છે આમ છતાં સંકલન બેઠકમાં કેવા પ્રકારનું `સંકલન’ થાય છે તેના પર બધો મદાર રહેશે.
સ્ટેન્ડિંગ કમિટી ૧૧ દરખાસ્ત પર લેશે નિર્ણય
- ૨૦૨૩-૨૪નું બજેટ મંજૂર કરવા
- સામાન્ય કર-શિક્ષણ કર નક્કી કરવા
- પાણીવેરો નક્કી કરવા
- ખુલ્લા પ્લોટ પરનો ટેક્સ નક્કી કરવા
- ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો ચાર્જ નક્કી કરવા
- વાહન વેરો નક્કી કરવા
- થિયેટર ટેક્સ નક્કી કરવા
- મિલકત વેરામાં વળતર યોજના લાગુ કરવા
- ઓનલાઈન પેમેન્ટમાં વળતર આપવા
- એન્વાયરમેન્ટ ચાર્જ નક્કી કરવા
- ટીપી શાખા વિકાસ પરવાનગી આપે ત્યારે અલગ-અલગ ડિપોઝીટ વસૂલ કરવા