…તો હું એ દિવસે જાગીને ક્રિકેટમાંથી સંન્યાસ લઈશ !
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કર્યો ઈશારો
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અત્યારે ઈજાને કારણે ક્રિકેટથી દૂર છે. આ બધાની વચ્ચે પોતાના ક્રિકેટમાંથી સંન્યાસને લઈને તેણે એક મોટું નિવેદન આપ્યું છે. શમીએ કહ્યું કે જે દિવસે મને લાગશે કે ક્રિકેટથી કંટાળી ગયો છું એ સવારે જાગીને સંન્યાસ માટે ટવીટ કરી દઈશ !
શમીએ વર્લ્ડકપ-૨૦૨૩માં સૌથી વધુ ૨૩ વિકેટ ખેડવી હતી. આ પછી તેને ઈજા પહોંચી હતી પરંતુ તે ઈજા ક્યારે પહોંચી તેનો ખુલાસો થયો નથી. અત્યારે શમી ભારતીય ટીમથી બહાર છે. શમીએ સંન્યાસ અંગે કહ્યું કે મારે કોઈ વસ્તુથી ગભરાવાની જરૂર નથી કેમ કે મને સમજાવવાવાળું કો, ચે જ નહીં. મારા પરિવારમાંથી પણ મને કોઈ કશું કહેતું નથી. જે દિવસે સવારે જાગીને મને લાગશે કે હવે ગ્રાઉન્ડ નથી જવું એ દિવસે હું ખુદ ટવીટ કરી દઈશ કે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું.
એવા પણ અહેવાલો આવતા રહે છે કે શમીની બાયોપિક ફિલ્મ આવવાની છે. જો કે તેમાં કલાકાર કોણ હશે તેનો ખુલાસો થયો નથી. હવે શમીએ કહ્યું કે હા, મારી પણ બાયોપિક આવશે. કોઈ કલાકાર નહીં હોય તો ક્રિકેટ છોડ્યા બાદ હું મારી બાયોપિકમાં કામ કરી લઈશ.