રાજકોટમાં કોહલી નહીં રમે, જાડેજા-રાહુલ કરી શકે કમબેક
બુમરાહને મળી શકે આરામ, સીરાજને રાજકોટમાં અજમાવાશે
વિરાટ કોહલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીના પ્રથમ બે મુકાબલા નહીં રમ્યા બાદ હવે આગલા ત્રણ મુકાબલામાંથી પણ બહાર થઈ ગયો છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ પ્રમાણે ભારતનો સ્ટાર બેટર રાજકોટ અને રાંચી સહિતના ટેસ્ટ મુકાબલામાં રમશે નહીં. જ્યારે પહેલી ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો રવીન્દ્ર જાડેજા અને કે.એલ.રાહુલ ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં વાપસી કરી શકે છે. આ બન્નેએ વિશાખાપટ્ટનમ ટેસ્ટ રમી ન્હોતી.
અહેવાલો પ્રમાણે વિરાટ કોહલીએ પારિવારિક કારણોસર બ્રેક લીધો છે. એવું મનાય રહ્યું છે કે અત્યારે તે વિદેશમાં છે. બીજી ટેસ્ટ બાદ તેના સાથે જોડાયેલા સવાલ અંગે કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ શ્રેણીની બાકી મેચો માટે તેની ઉપલબ્ધતા જાણવા માટે કોહલીનો સંપર્ક કરશે. થોડા દિવસ પહેલાં જ એબી ડિવિલિયર્સે પણ એક લાઈવ સ્ટ્રીમમાં કહ્યું હતું કે કોહલી પોતાના બીજા બાળકની આશા રાખી રહ્યો છે. આ જ કારણથી તે પહેલી બે ટેસ્ટ મેચ રમી શક્યો ન્હોતો.
રવીન્દ્ર જાડેજા હૈદરાબાદ ટેસ્ટના ચોથા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. પેવેલિયન પરત ફરવા દરમિયાન તેને ચાલવામાં તકલીફ પડી હતી. અત્યારે તે બેંગ્લોર નેશનલ ક્રિકેટ એકેડેમીમાં છે અને ત્યાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે. જ્યારે પહેલી ટેસ્ટ બાદ રાહુલને સાથળમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી તે પણ અત્યારે એનસીએમાં જ છે. બન્નેના ફિટનેસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ત્રીજી ટેસ્ટમાં આરામ અપાઈ શકે છે. બુમરાહની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ સીરાજને તક મળી શકે છે.