કડકડતી ઠંડીમાં ગિરનાર સર કરવા આટલા સ્પર્ધકોએ મૂકી દોટ
રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-આવરોહણ સ્પર્ધામાં ગુજરાતનો દબદબો ઘટ્યો: ઉત્તર પ્રદેશ-હરિયાણાના સ્પર્ધકોએ મારી બાજી
જૂનાગઢમાં ૧૬મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૩૧૮ જુનિયર અને સિનિયર પુરુષ સ્પર્ધકો જ્યારે ૧૮૮ જુનિયર-સિનિયર બહેનો મળી ૫૦૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વર્ષે ગુજરાત ઉપરાંત દેશના હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને દીવ-દમણના મહિલા અને પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર સિનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોને રૂ.૧ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી ત્યારે આ સ્પર્ધા રોમાંચિત બની હતી. વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં ગિરનાર સર કરવા સ્પર્ધકો તળેટી ખાતે પહોંચ્યા હતા.
આ સ્પર્ધામાં અત્યાર સુધી ગુજરાતનો દબદબો હતો જો કે ગુજરાતનાં સ્પર્ધકોને હરિયાણા અને ઉત્તર પ્રદેશના સ્પર્ધકોએ આ વર્ષે ટક્કર આપી હતી. આ વર્ષે સિનિયર ભાઈઓમાં હરિયાણાના રાહુલે ૫૮ મિનિટ અને ૨૬ સેકન્ડમાં અંબાજી પર્વત સુધીના સાડા પાંચ હજાર પગથિયાં ચળી અને ઉતરીને પ્રથમ ક્રમ જ્યારે સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તામશી સિંહે માળી પરબ સુધીના ૨૨૦૦ પગથિયા ૩૩ મિનિટ અને ૫૯ સેકન્ડમાં ચળી અને ઉતરીને પ્રથમ કર્મ મેળવ્યો હતો. જ્યારે જુનિયર ભાઈઓમાં હરિયાણાના વિકાસે ૧ કલાક, ૨ મિનિટ અને ૩૬ સેકન્ડમાં અને જુનિયર ગર્લ્સમાં ગુજરાતની જશુંએ ૩૬ મિનિટ અને ૨૫ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-આવરોહણ સ્પર્ધામાં આ વર્ષે સિનિયર ભાઈઓમાં 10 વિજેતા પૈકી 7 ગુજરાત, 2 હરિયાણા અને 1 ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. તેવી જ રીતે સિનિયર બહેનોમાં 6 ગુજરાત, 3 ઉત્તર પ્રદેશ અને 1 હરિયાણાની બહેનનો સમાવેશ થાય છે જુનિયર ભાઈઓમાં 4 ગુજરાત, 2 હરિયાણા અને 03 ઉત્તર પ્રદેશની સાથે 01 દિવનો સ્પર્ધક પણ વિજેતા બન્યો છે. જુનિયર બહેનોમાં 03 ગુજરાત 03 ઉત્તર પ્રદેશ અને 04 હરિયાણા ની બહેનોએ વિજય પ્રાપ્ત કર્યો હતો.