વ્યાસજીના ભોંયરામાં પૂજા પાઠ અંગે શું કહ્યું હાઇકોર્ટે, જુઓ
જ્ઞાન વાપી કેસમાં મુસ્લિમ કક્ષકારોને બીજો ઝાટકો
કેસની વિશેષ સુનાવણી છઠ્ઠી તારીખે થશે.
વારાણસીની વિવાદાસ્પદ જ્ઞાન વાપી મસ્જિદમાં આવેલા વ્યાસજીના ભોયરામાં હિન્દુઓને પૂજાપાઠ કરવાની મંજૂરી આપતા જિલ્લા અદાલતના આદેશ સામે સ્ટે આપવાનો અલ્હાબાદ હાઇકોર્ટે ઇનકાર કરી દેતા હિન્દુ પક્ષકારોનો બીજો વિજય થયો હતો.આ કેસની વધુ સુનાવણી છઠ્ઠી તારીખે થશે.
જિલ્લાના અદાલતના આદેશ સામે મોસ્ક કમિટીએ સુપ્રીમ કોર્ટમાં દાદ માગી હતી પરંતુ સર્વોચ્ચ અદાલતે પહેલા હાઇકોર્ટમાં અરજી કરવાનું સૂચન કર્યા પછી મુસ્લિમ પક્ષકારોએ 31મી જાન્યુઆરીની સ્થિતિ જાળવી રાખવાની તથા પૂજા પાઠ અટકાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
તેની સુનાવણી દરમિયાન ન્યાયાધિશે મુસ્લિમ પક્ષકારોને 17 મી જાન્યુઆરીના એ આદેશને પડકારવાનું સૂચન કર્યું હતું જેના અનુસંધાને જિલ્લા અધિકારીની રીસીવર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને જે આદેશના પગલે જિલ્લા અધિકારીએ જ્ઞાનવાપી પરિસરનો કબજો લીધો હતો.
હાઇકોર્ટે પૂજાપાઠ રોકવાની અરજી નકારવાની સાથે જ તંત્રને નવું કોઈ બાંધકામ ન થાય તે તથા કાયદો વ્યવસ્થાની સ્થિતી ન બગડે તે સુનિશ્ચિત કરવાની તાકીદ કરી હતી.નોંધનીય છે કે જિલ્લા અદાલતે 31 મી તારીખે પૂજાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો તેની ગણતરીને કલાકોમાં જ વહીવટી તંત્ર દ્વારા ભોંયરું ખોલી નાખવામાં આવ્યું હતું અને રાત્રે ત્રણ વાગ્યે પૂજા કરવામાં આવી હતી.આ બનાવને પગલે એક તરફ હિન્દુ ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી હતી તો બીજી તરફ મુસ્લિમોમાં કચવાટ જોવા મળ્યો હતો. શુક્રવારે બનારસમાં મુસ્લિમો દ્વારા બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું.