કચ્છમાં મીઠાના વેપારીને ત્યાં આવકવેરાના દરોડા:28 સ્થળે તપાસ
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ આઇટીના રડારમાં આવ્યા બાદ
રાજકોટ અને અમદાવાદ આઇટી વિભાગની 80 થી વધુ ટીમ તપાસમાં જોડાઈ
ઉદ્યોગકારોના ઓફિસો, ઘર, વેરહાઉસ તેમજ પ્લાન્ટ ખાતે સર્ચ અને સર્વે ઓપરેશન
કચ્છમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. મોટા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ અને દિનેશ ગુપ્તાને ત્યાં રાજકોટ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કરોડોનું ટર્નઓવર ધરાવતા કચ્છમાં આવેલા મીઠાના વેપારીઓ આઇટીની રડારમાં આવ્યા હતા. આ દરોડાથી અન્ય મીઠાના ધંધાથીઓમાં ફફડાટ ફેલાયો છે.
શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન્સમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સાથે 28 જગ્યાએ ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે 80 થી વધારે ટીમ દરોડા અને સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી હતી. દિનેશ ગુપ્તા ઉપરાંત મહેશ ગુપ્તા અને સુરેશ ગુપ્તાને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્કમટેક્સની તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. ગુજરાતમાં જવેલર્સ, બિલ્ડર્સ, કેમિકલના વેપારીઓ બાદ ઈન્કમટેક્સ વિભાગે કચ્છના રાજકીય ઓથ ધરાવતા બે મોટા ગજાના ઉદ્યોગપતિઓને ત્યાં દરોડા પાડતા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
વહેલી સવારથી રાજકોટ અને અમદાવાદ ઈન્કમટેક્સ વિભાગની 80 થી વધુ ટીમે ગાંધીધામ ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ દિનેશ ગુપ્તાના રિશી કિરણ લોજીસ્ટીક અને કંડલા વેરહાઉસ કંપની, વેરહાઉસો, ઓફિસો, નિવાસ સ્થાન સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને સર્ચ હાથ ધરવામાં આવેલ છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા બાબુભાઈ હુંબલના શ્રીરામ સોલ્ટ અને શ્રી રામ કેમ ફૂડની ફેક્ટરીઓ, ઓફિસો તેમજ બાબુભાઈના નિવાસ સ્થાને પણ આવકવેરા વિભાગની ટુકડીઓ દ્વારા સર્ચ તથા રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ તથા અમદાવાદ ઈન્કમટેક્સ વિભાગના 80થી વધુ અધિકારીઓના કાફલા દ્વારા ઉપરોક્ત બન્ને મોટા માથાઓના લગભગ 24 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવેલ છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બે નંબરી વ્યવહારો ઝડપાવાની શક્યતા છે.કચ્છમાં બાબુભાઈ હુબલ રાજકીય ક્ષેત્રે મોટુ માથુ ગણાય છે. અને મીઠા ઉદ્યોગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે. તેની શ્રી રામ સોલ્ટ અને શ્રી રામ કેમફૂડ નામની બે કંપનીઓના ટ્રાન્સપોર્ટ તથા વેરહાઉસના તમામ કોન્ટ્રાક્ટ દિનેશ ગુપ્તાની રિશિકિરણ લોજીસ્ટીક અને કંડલા વેરહાઉસ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે.આ બન્ને ઉદ્યોગપતિઓના બિઝનેસ એક બીજા સાથે સંકળાયેલા હોવાથી ઈન્કમટેક્સ વિભાગ દ્વારા એક સાથે બન્ને ઉદ્યોગકારોના ઓફિસો, નિવાસ સ્થાનો, વેરહાઉસ તેમજ પ્લાન્ટ મળી 24 જેટલા સ્થળે દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવતા કચ્છના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.