શાપરમાં કાકાના ઝઘડામાં વચ્ચે પડેલા ભત્રીજાની હત્યા કરનાર રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ જિલ્લામાં ૧૨ કલાકમાં બબ્બે હત્યાથી સનસનાટી મચી
શાપર વેરાવળમાં યુવાનની અને ગોંડલમાં પાનના ધંધાર્થીની હત્યા
ગોંડલમાં જૂના ઝઘડાનો ખાર રાખી પાનના ધંધાર્થીને સસ્પેન્ડેડ હોમગાર્ડે મોતને ઘાટ ઉતારી દીધો
રાજકોટ જિલ્લામાં ૧૨ કલાકમાં હત્યાના બે બનાવો બન્યા હતા. પ્રથમ શાપર વેરાવળમાં મોડીરાત્રે ફાકીના ઉધારીના પૈસા બાબતે કૌટુંબીક કાકાની માથાકુટમાં વચ્ચે પડેલા યુવાન પર ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. બીજી ઘટના ગોંડલમાં બની હતી,જેમાં ગોંડલના બસ સ્ટેન્ડની અંદર આવેલી ડિલેકસ પાનની દુકાન ધરાવતાં યુવકની સસ્પેન્ડ હોમગાર્ડે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની દુકાન પાસે હત્યા કરી હતી. શાપર વેરાવળમાં રહેતા પ્રવિણભાઈ મગનભાઈ મકવાણા શાપર-વેરાવળમાં આવેલ સિધ્ધી વિનાયક પાનની દુકાને ફાકી ખાવા ગયા હતા ત્યારે પૈસાની ઉઘરાણીના પ્રશ્ર્ને દુકાનદાર સાથે માથાકુટ થતી હોય આ વખતે ત્યાંથી પસાર થઈ રહેલા શાપર વેરાવળ શિવનગર-૨માં રહેતો કૌટુંબીક ભત્રીજો જયદીપ રાજેશ મકવાણા (ઉ.૨૦) ડખ્ખામાં વચ્ચે પડયો હતો. યુવાને પોતાના કૌટુંબીક કાકા સાથે માથાકુટ કરી રહેલા રાજકોટના યશ,ચિરાગ સહિત ત્રણ શખ્સોને જ્ઞાતિ પ્રત્યે એલફેલ નહીં બોલવાનું કહેતા ઉશ્કેરોલા ત્રણેય આરોપીઓએ જયદીપ રાજેશ મકવાણા (ઉ.૨૦)ને છરીના ચારેક જેટલા ઘા ઝીંકી દીધા હતાં. જ્યારે તેના કૌટુંબીક કાકાને પણ ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતુ. આ બનાવ અંગે પોલીસે મૃતક યુવાનના મોટા બાપુ ભરતભાઈ પાલાભાઈ મકવાણા (ઉ.૪૦)ની ફરિયાદ પરથી રાજકોટની ન્યુ સુભાષ સોસાયટીમાં રહેતા યશ મનસુખભાઈ સોનાગરા, ચિરાગ મનસુખભાઈ સોનાગરા અને એક અજાણ્યા શખ્સ સામે હત્યા અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી ત્રણેય શખ્સોને પોલીસે સકંજામાં લઈ વિશેષ પુછપરછ હાથ ધરી છે.
બીજા બનાવમાં ગોંડલના ઉમવાળા ફાટક પાસે ગોકુળીયાપરામાં રહેતા સાગર રાજુભાઈ મેવાડા ભરવાડ (ઉ.૨૪)નામનો યુવાન મોડીરાત્રે બસ સ્ટેશનમાં આવેલી પોતાની ડિલેકસ પાન નામની દુકાને હતો ત્યારે સસ્પેન્ડ હોમગાર્ડ ઘનશ્યામ રસીકભાઈ પરમારે ઝઘડો કરી સાગરને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. એક રાહદારી ત્યાંથી પસાર થતાં સાગરને લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે પડયો હોય જે અંગે પોલીસને જાણ કરતાં સ્થાનિક ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આરોપી ઘનશ્યામ રસીકભાઈ પરમારને પોલીસે સંકજામાં લઈ લીધો હતો.આરોપી ઘનશ્યામ પરમારને અગાઉ મૃતક સાથે માથાકૂટ થઈ હોવાથી જેમનો ખાર રાખીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. આ સાથે ઘનશ્યામ પરમાર નામનો યુવક અગાઉ ગોંડલ હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની વિગતો પણ જાણવા મળી છે.