તેજસ્વી યાદવની ઇડી દ્વારા કલાકો સુધી પૂછપરછ
પટણામાં ઇડીની ઓફિસ બહાર રાજદના અસંખ્ય કાર્યકરો એકત્ર થયા
બિહારના લાલુ પ્રસાદ પરિવાર પર ઇડીએ બરાબરનો ફંદો કસી લીધો છે. સોમવારે લાલુપ્રસાદ યાદવની 9 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ મંગળવારે લાલુ પુત્ર અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની પણ કલાકો સુધી ઇડીના અધિકારીઓએ પૂછપરછ કરી હતી. નોકરીના બદલામાં જમીન કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પટનામાં ઇડીની ઓફિસમાં સવારે 11 વાગે તેજસ્વી હાજર થઈ ગયા હતા અને ઓફિસની બહાર રાજદના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને કેન્દ્ર સરકાર તેમજ ઇડી વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. તેજસવીના મોટા ભાઈ તેજપ્રતાપ પણ ઓફિસ બહાર પહોંચી ગયા હતા.
ઇડીની ઓફિસ બહાર સુરક્ષાનો મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કેટલાક કાર્યકરોએ સુરક્ષાકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી. તેજસ્વિની બહેનો પણ ઓફિસની બહાર પહોંચી ગઈ હતી અને કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યા હતા. લાલુના પુત્રી રોહિણીએ કહ્યું હતું કે ભાજપને હારનો ડર સતાવી રહ્યો છે એટલા માટે એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.