રાજકોટના થોરાળામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, મહિલા કોન્સ્ટેબલ ઇજા,યુવાને પોલીસ દમનનો આક્ષેપ કરીને ફિનાઈલ પીધું…
રાજકોટના થોરાળા વિસ્તારમાં રસ્તો ખુલ્લો કરાવવા માટે ગયેલ થોરાળા પોલીસ અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં ટોળાનો પો. આઈ સહિત પોલીસ પર હુમલો કરતાં મહિલા પોલીસને ઇજા થઈ હતી. સામા પક્ષે થોરાળા પી. આઈ સામે જ્ઞાતિ પ્રત્યે ઘસાતું બોલ્યાના આક્ષેપ સાથે યુવકે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. થોરાળા પોલીસે આ ઘટનામાં ચાર શખ્સોની અટકાયત કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર નવા થોરાળા વિસ્તારમાં સ્વામિનારાયણ સ્કૂલ નજીક રસ્તો બંધ હોય જે રસ્તો ખોલાવવા ગયેલ થોરાળા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસ સાથે સ્થાનિકોએ માથાકૂટ કરી હતી.
પોલીસે ટોળાને વિખેરવા બળ પ્રયોગ કર્યો હતો સામે ટોળાએ પોલીસને ઘેરી લઈ પી. આઈ બી. એમ. ઝણકાટ સાથે ઝપાઝપી કરી હતી તે દરમિયાન વચ્ચે પડેલ થોરાળા પોલીસ મથકના મહિલા કોન્ટેબલ એક્તાબેન કિરીટભાઈ રાઠોડને હાથમાં બટકું ભરી લેતા એકતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામે પક્ષે એક યુવાને થોરાળા પોલીસ મથકના પી.આઈ બી. એમ. ઝણકાટ દલિત સમાજનું ઘસાતું બોલ્યા હોવાનો આક્ષેપ કરી પી. આઈ સહિતના સ્ટાફની હાજરીમાં જાહેરમાં ફિનાઇલ પી લેતા મામલો તંગ બની ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વધારાની પોલીસ બોલાવવામાં આવી હતી અને થોરાળા વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.
નવા થોરાળામાં બનેલી ઘટના પોલીસના બોડી વોર્ન કેમરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસ સાથે ઘર્ષણ કરનાર ચાર શખ્સોની અટકાયત કરી આ મામલે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી હતી.
