આજી GIDC માં ચડ્ડી બનીયાનધારી ગેંગ માત્ર ૨ કલાકમાં રૂ.૧૫ લાખની રોકડ ચોરી ગયા
ચાર શખ્સોએ કંપનીના પાછળના દરવાજેથી પ્રવેશે કરી ઓફિસના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો
માલિકને ચોરીની બીક ન હોવાથી રોકડ કંપનીમાં રાખીને તસ્કરોએ હાથફેરો કર્યો : ઘટના સ્થળે પોલીસ કમિશર દોડી ગયા ,થોરાળા પોલીસ દ્વારા તપાસ
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી જાણે તસ્કરોએ પડાવ નાખ્યો હોય તેમ દીન પ્રતિદિન ચોરીની ઘટના બનવા પામી છે.તાજેતરમાં સંત કબીર રોડ પર આવેલા ત્રણ શો રૂમના તાળા તોડી તેમાંથી ૯.૫૦ લાખની રોકડ ચોરી ગયા હતા.જેના હજુ તસ્કરો પોલીસ પકડમાં નથી આવ્યા ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.આજી જીઆઈડીસીમાં આવેલા કામાણી ફાઉન્ડરી નામની કંપનીમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી હતી.અને કંપનીમાં રહેલા રોકડ આશરે રૂ.૧૫ લાખ રોકડ ચોરી ગયા છે.જ્યારે આ મામલે થોરાળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથધરી છે.
વિગતો મુજબ આજી જીઆઈડીસીમાં આવેલા કામાણી ફાઉન્ડરી નામની કંપનીના માલિક અમિતભાઈ કામાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલે તેઓ રોજીંદા મુજબ મજૂરો છૂટી ગયા બાદ કંપની બંધ કરી પોતાના ઘરે ગયા.હતા બાદ સવારે કંપની પર આવીને જોતા તેના ઓફિસમાં ચોરી થયા હોવાનું જણાતા તેમને ઘટનાની જાણ થોરાળા પોલીસને કરી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ,ડીસીપી,ક્રાઈમ બ્રાન્ચ અને થોરાળા પોલીસના પી.આઇ બી.એમ.ઝળકાત સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.અને કંપનીમાં તપાસ કરતા ઓફિસમાં રાખવામાં આવી રોકડ રૂ.૧૫ લાખ આશરે ચોરી થતા હતા.જ્યારે અન્ય કોઈ વસ્તુને તસ્કરો દ્વારા હાથ પણ લગાવામાં આવ્યો ન હતો.
જ્યારે આ મામલે પોલીસ સ્ટાફ દ્વારા કંપનીમાં લગાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા.જેમાં કંપનીના પાછળના ભાગમાંથી ચાર ચડ્ડી બનીયાનધારી શખ્સો અંદર ઘૂસ્યા હતા.અને તેમાં એક શખ્સ દ્વારા પોતાની સાથે ઊંચાઈ પર ચડવામાં ઉપયોગમાં લેવાતો ઘોડો પણ સાથે રાખવામાં આવ્યો હતો.ચારેય શખ્સો દ્વારા ઓફિસના તાળા તોડી તેમાં તિજોરીમાં રાખવામાં આવેલી આશરે રોકડ રૂ.૧૫ લાખ ચોરી ગયા હતા.જેથી હાલ થોરાળા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે આગળની તપાસમાં હાથ ધરવામાં આવી છે.
ત્રણ દિવસ પૂર્વે જ ચડ્ડી-બનિયાનધારી ટોળકી સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરાઇ ‘તી ત્યાં નવી ગેંગ સક્રિય
રાજકોટ ગુજરાતભરમાં છેલ્લા 10 વર્ષથી ગુનાહિત કાવતરુ રચી ધાડ, લુંટ, હત્યાનો પ્રયાસ, ઘરફોડ ચોરી સહિતના ગુનાઓ આચરતી દાહોદની ચડ્ડી-બનિયાનધારી ગેંગના 10 સભ્યો સામે રાજકોટ ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. જેમાં તેની સામે ધાડ, લુંટ, હત્યાનો પ્રયાસ, ઘરફોડ ચોરી, ગુનાહિત કાવતરુ રચી બળજબરીથી પચાવી પાડવું, હથિયાર રાખવા, ફાયરીંગ મકાન સળગાવી નાખવું સહિતના 57 જેટલા ગંભીર ગુનાઓ દાખલ થયા હતા ત્યારે ચડ્ડી-બનિયાનધારીનક નવી ગેંગ રાજકોટમાં સક્રિય થઈ છે.જેને આજી જીઆઇડીસીમાં આવેલા કારખાનામાં ચોરીને અંજામ આપ્યો છે જેથી હાલ તેને પકડી પાડવા પોલીસ ઉંધા માથે લાગી છે.
ચડ્ડી-બનિયાનધારી ટોળકી ઊંચાઈ પર ચડવા માટે પોતાની સાથે જ સીડી લાવી ‘તી
ઘટના મામલે થોરાળા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજો ચકાસવામાં આવ્યા હતા. જેમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકીના ચારેય શખ્સો ઊંચાઈ પર ચડવા માટે પોતાની સાથે જ સીડી પણ લાવ્યા હતા.અને તેની મદદથી કંપનીમાં પાછળના ભાગેથી ચડીને અંદર આવ્યા હતા અને રોકડ ચોરી કરી સીડી મારફત પાછા ત્યાંથી ચડીને ભાગી ગયા હતા.