લોકસભા ચૂંટણીનું મતદાન ૧૬ એપ્રિલ આસપાસ?
ચીફ ઇલેક્ટોરલ ઓફિસનો પત્ર વાઇરલ થઇ જતાં ચર્ચા જાગી
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઈ છે અને હવે ભાજપ સહિતના પક્ષોનું ધ્યાન લોકસભાની ચૂંટણી ઉપર કેન્દ્રિત થયું છે. આમ તો પહેલી ફેબ્રુઆરીથી બજેટસત્રનો માહોલ પણ ગરમાશે. જો કે, આ વખતે ચૂંટણીને લીધે વોટ ઓન એકાઉન્ટ જ હશે. રામ મંદિરને લીધે સમગ્ર દેશમાં ભાજપ તરફી માહોલ છે અને તેથી ચૂંટણી વહેલી આવશે તેવી અટકળો વચ્ચે ચૂંટણી પંચે મતદાન માટે ૧૬/૪/૨૦૨૪નો દિવસ નક્કી કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ચૂંટણી પંચે તાજેતરમાં જ કરેલા કેટલાક પત્ર વ્યવહારમાં મતદાનનો દિવસ ૧૬/૪/૨૦૨૪ હોઈ શકે છે તેવો ઉલ્લેખ કર્યો હોવાથી આ ધારણા ઉભી થઇ છે.
ચૂંટણી પંચે અધિકૃત પત્ર વ્યવહારમાં ૧૬મી એપ્રિલના દિવસને મતદાનની અંદાજિત તારીખ ગણાવતા હવે ચૂંટણી વહેલી આવશે તેવી અટકળોને પૂર્ણવિરામ મળ્યું છે.
જાણકાર વર્તુળો અનુસાર, તાજેતરમાં જ દિલ્હી સ્થિત ચીફ ઈલેકટોરલ ઓફીસ વતી ૧૯મી જાન્યુઆરીના રોજ લખવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારતના ચૂંટણી કમિશને લોકસભાની ચૂંટણી અંગે પ્લાનર તૈયાર કર્યું છે અને તે અંતર્ગત જુદી જુદી કાર્યવાહી કરવાની રહે છે. આ પ્લાનરમાં ચૂંટણીની પ્રક્રિયા ક્યારે શરુ થાય અને ક્યારે પૂરી થાય તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને તે મુજબ કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.
આ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશને લોકસભાની ચૂંટણી માટે મતદાનની અંદાજિત તારીખ ૧૬/૪/૨૦૨૪ રાખી છે અને તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત અને અંતની તારીખની ગણતરી કરવાની રહેશે.
આ પત્ર વાઈરલ થતા તે અંગે ચર્ચા શરુ થઇ ગઈ હતી તેથી ચૂંટણી કમિશને ઉપર ચોખવટ કરવી પડી છે કે ૧૬/૪/૨૪ની તારીખ માત્ર રેફરન્સ માટે નક્કી કરવામાં આવી છે.
આ સુત્રોએ એમ પણ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી છ થી વધુ તબક્કામાં યોજાશે અને તેની સંખ્યા ૯ પણ હોઈ શકે છે. સંવેદનશીલ રાજ્યોમાં બે થી વધુ તબક્કામાં મતદાન થઇ શકે છે. ચૂંટણી પંચે મતદાન માટે જે અંદાજિત તારીખ નક્કી કરી છે તેની આસપાસના દિવસોમાં મતદાન થશે.