કોટેચા ચોકમાં ફ્લેમિંગો પાસેનું ડિવાઇડર તોડવાનું શરૂ: લોકોને મળશે `રાહત’
સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય શો-રૂમ દુકાનોમાં જનારા લોકોએ હવે સર્કલ સુધી લાંબું થવું પડશે નહીં
સમસ્યા હળવી કરવા તાત્કાલિક ડિવાઈડર હટાવવાનો પોલીસે `મત’ આપતાં જ કાર્યવાહી શરૂ
પ્રજાનો અવાજ' બહેરા તંત્રના કાન સુધી પહોંચાડી સમસ્યાનું નિરાકરણ લાવવાની ઉમદા નેમ સાથેવોઈસ ઓફ ડે’ દ્વારા કોટેચા ચોકમાં સર્જાતાં ટ્રાફિક ટેરર' સામે ઝુંબેશ ઉઠાવી તંત્રનો કાન આમળ્યો હતો. આ અવાજના પડઘા સ્વરૂપે મહાપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ખાસ કરીને કોટેચા ચોકનું સર્કલ કે જ્યાં મીગ વિમાન મુકવામાં આવ્યું છે તેની બાજુમાં જ ફ્લેમિંગોનું સ્ટેચ્યુ છે ત્યાં એક ડિવાઈડર મુકી દેવામાં આવ્યું હતું જેના કારણે લોકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોવાથી આ મુદ્દે તંત્રનું ધ્યાન દોરવામાં આવતાં જ આ ડિવાઈડર દૂર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.મહિલા કોલેજ અન્ડરબ્રિજથી કોઈ વ્યક્તિને સ્વામિનારાયણ મંદિર કે એ લાઈનમાં આવેલી દુકાન કે શો-રૂમમાં જવું હોય તો ફરજિયાત પણે કોટેચા ચોક સર્કલ સુધી લાંબું થવું પડતું. આ કારણથી સર્કલ પાસે દરરોજ વાહનોના ખડકલા થયે જ રાખતા હતા અને લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા હતા.
હવે સર્કલની બાજુમાં જ ફ્લેમિંગો સ્ટેચ્યુની નજીક મુકાયેલું ડિવાઈડર તોડવાનું શરૂ કરવામાં આવ્યું હોવાથી લોકો સરળતાથી આ ડિવાઈડરની જગ્યામાંથી પસાર થઈને સ્વામિનારાયણ મંદિરવાળા રોડ પર જઈ શકશે. કોટેચા ચોકની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટેવોઈસ ઓફ ડે’ દ્વારા વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા જે પૈકીનું આ સુચન પણ સમાવિષ્ટ હતું જેનો અમલ તંત્ર દ્વારા શરૂ કરી દેવાયો છે. આ અંગે રોડ સેફ્ટી એન્જિનિયરિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં સમસ્યા હળવી કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવતાં બેઠકમાં સામેલ ધારાસભ્ય દ્વારા ડિવાઈડર દૂર કરવાનું કહેવાયું હતું. આ પછી પોલીસે આ ડિવાઈડર દૂર કરવા મહાપાલિકાને લેખિતમાં પત્ર લખવામાં આવતાં તેના આધારે ડિવાઈડર તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે જે કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
ટૂંક સમયમાં જ સર્કલ નાનું કરવાની દિશામાં કાર્યવાહી કરાશે: મ્યુનિસિપલ કમિશનર
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ફ્લેમિંગોની બાજુનું ડિવાઈડર તોડવામાં આવી રહ્યું છે જેના કારણે લોકોને ઘણી રાહત મળશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં જ કોટેચા ચોક સર્કલ નાનું કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે એજન્સી દ્વારા મહાપાલિકાને રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે અને તેના પર કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે.
