રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં શું થયું !, વાંચો
- પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
- રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને ગૌહાટીમાં પ્રવેશ ન આપતા ભારે ઘર્ષણ
- રાહુલ સામે ગુનો નોંધવા આસામના મુખ્યમંત્રીનો આદેશ
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પોલીસે ગૌહાટી શહેરમાં પ્રવેશતાં અટકાવતા કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.એ દરમિયાન લાઠીચાર્જમાં આસામ કોંગ્રેસના પ્રમુખ ભુપેનકુમાર વોરા તથા વિધાનસભામાં વિપક્ષના નેતા દેવવ્રત સેઇકિયા સહિત અનેક કાર્યકરો ઘાયલ થયા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.આ ઘટના બાદ આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વ સરમાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ટોળાને ઉશ્કેરવા અને અંધાધુંધી સર્જવા બદલ ગુનો નોંધવાના પોલીસને નિર્દેશ આપતા મામલો ગંભીર બની ગયો હતો.
રાહુલ ગાંધીની યાત્રા મંગળવારે ગૌહાટી પહોચવાની હતી અને ત્યાં તેઓ સભાને સંબોધવાના હતા.જો કે આ પહેલા જ પોલીસે મંગળવાર વર્કિંગ ડે હોવાને કારણે યાત્રાને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ શકે છે એ કારણ આપી યાત્રાને ગૌહાટીમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી અને રાષ્ટ્રીય ધોરી માર્ગ 27 ઉપરથી યાત્રા આગળ ધપાવવા સૂચના આપી હતી.
જો કે મંગળવારે સવારે પાંચ હજાર કાર્યકરો સાથે યાત્રા ગૌહાતિ નજીક પહોચતા પોલીસે તેને અટકાવી હતી.એ દરમિયાન કોંગી કાર્યકરોએ બેરીકેડ્સ તોડી નખતા મામલો તંગ બન્યો હતો.આ ધમાલ બાદ મુખ્યમંત્રી હિંમતાં બસ્વ સરમાએ કહ્યું કે આસામ શાંતિપ્રિય રાજ્ય છે અને ત્યાં આવી નક્સલવાદી રણનીતિ ચલાવી નહિ લેવાય.
રાહુલે કહ્યું,એમને નબળા ન સમજશો
બાદમાં ગૌહાટી ની સરહદ પર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર વિચિત્ર કારણો આપી અને યાત્રાને અટકાવવાની કોશિશ કરી રહી છે. આ જ માર્ગ ઉપરથી બજરંગ દળ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડાની યાત્રાઓ નીકળી હતી. તેમણે કહ્યું કે અમે બેરીકેડ તોડી છે પણ અમે કાયદો નહીં તોડીએ. તેમણે વધુમાં કહ્યું કે આ કોંગ્રેસી કાર્યકરોનો વિજય છે, અમને નબળા સમજશો નહીં. તેમણે ભારત જોડો ન્યાય યાત્રાની સફળતા જોઇને સરમા ડરી ગયા હોવાનો અને એટલે એ યાત્રામાં વિઘન સર્જતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
યાત્રા આસામમાં પ્રવેશી ત્યારથી સતત વિવાદ
ભારત જોડો ન્યાય યાત્રા આસામમાં પ્રવેશી ત્યારથી સતત વિવાદ થતો રહ્યો છે. રાહુલ ગાંધીએ હિંમતા વિશ્વ સરમાને દેશના સૌથી વધુ ભ્રષ્ટ મુખ્યમંત્રી ગણાવ્યા હતા તો સામા પક્ષે સરમાએ રાહુલની સરખામણી રાવણ સાથે કરી હતી. આ અગાઉ રાહુલ ગાંધીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદનો કાર્યક્રમ પણ છેલ્લી ક્ષણે કેન્સલ કરવામાં આવ્યો હતો. સરકારના દબાણને કારણે સંચાલકોએ કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો હોવાનો રાહુલે આક્ષેપ કર્યો હતો. રવિવારે યાત્રામાં જોડાયેલા કોંગ્રેસી કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશ ની ગાડી ઉપર પણ હુમલો થયો હતો. સોમવારે આસામના સંત શ્રીમંતા શંકરદેવાના મંદિરમાં રાહુલ ગાંધીને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવાતા કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા ઉપર બેસીને ધરણા કર્યા હતા.