રાજકોટમાં ચેતેશ્વર પુજારાનું રન ‘રમખાણ’
SCA સ્ટેડિયમ પર રણજી ટ્રોફીમાં ઝારખંડ સામે ૩૦ ચોગ્ગાની મદદથી બનાવ્યા અણનમ ૨૪૩ રન: રણજી ટ્રોફીમાં સૌથી વધુ ડબલ સેન્ચુરી બનાવવા મામલે પુજારા બીજા ક્રમે
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ચેતેશ્વર પુજારાએ સૌરાષ્ટ્ર વતી શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી પોતાના ફોર્મનો પરચો બતાવ્યો છે. સીઝનની પહેલી જ મેચમાં તેણે બેવડી સદી બનાવી હતી.
પુજારાએ ઝારખંડ વિરુદ્ધ ૩૫૬ દડામાં અણનમ ૨૪૩ રન બનાવ્યા હતા. આ સાથે જ રણજી ટ્રોફીમાં તેની આઠમી ડબલ સેન્ચુરી છે. હવે તે રણજી ટ્રોફીમાં સૌથી વધુ ડબલ સેન્ચુરી બનાવનારા બેટરોની યાદીમાં બીજા ક્રમે પહોંચ્યો છે. પુજારા કરતા આગળ નવ ડબલ સેન્ચુરી બનાવનારો પારસ ડોગરા છે.
સીઝનની પહેલી મેચમાં ઝારખંડ વિરુદ્ધ બીજા દિવસે પુજારા ૧૫૭ રન બનાવી અણનમ હતો. ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં જ તેણે પોતાની બેવડી સદી પૂર્ણ કરી હતી. પુજારા હવે ૧૭ ફર્સ્ટ ક્લાસ ડબલ સેન્ચુરી સાથે હર્બર્ટ સટફ્લિક અને માર્ક રામપ્રકાશની બરાબરી પર છે. પુજારાના નામે ફર્સ્ટ ક્લાસ શ્રેણીમાં ત્રણ ત્રેવડી સદી પણ છે જેમાંથી અંતિમ ત્રેવડી સદી તેણે ઓક્ટોબર-૨૦૧૩માં વેસ્ટ ઈન્ડિઝ
એ’ વિરુદ્ધ બનાવી હતી.
પુજારાએ છેલ્લી ટેસ્ટ જૂનમાં ધ ઓવલ ગ્રાઉન્ડ ઉપર ઓસ્ટે્રલિયા વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં રમી હતી જેમા તેણે ૧૪ અને ૨૭ રન બનાવ્યા હતા. આ મેચમાં ભારત ૨૦૯ રને હાર્યું હતું. ભારતે ત્યારથી જૂલાઈ-૨૦૨૩માં વિન્ડિઝમાં અને તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં બે-બે મેચની બે ટેસ્ટ શ્રેણી રમી છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ ડબલ સેન્ચુરી
ખેલાડી ડબલ સેન્ચુરી
ડોન બ્રેડમેન ૩૭
વૈલી હૈમોંડ ૩૬
પૈટસી હેડ્રન ૨૨
હર્બન સૂટફ્લિક ૧૭
માર્ક રામપ્રકાશ ૧૭
ચેતેશ્વર પુજારા ૧૭
પુજારાની રાજકોટમાં પાંચમી ડબલ સેન્ચુરી
ચેતેશ્વર પુજારાએ રણજી ટ્રોફીમાં રાજકોટમાં પાંચમી વખત ડબલ સેન્ચુરી બનાવી છે. તેણે ૨૦૦૯-૧૦માં મહારાષ્ટ્ર સામે, ૨૦૧૩-૧૪ની સીઝનમાં તમીલનાડુ સામે, ૨૦૧૭-૧૮માં ઝારખંડ સામે, ૨૦૧૯-૨૦માં કર્ણાટક સામે અને હવે ૨૦૨૩-૨૪ની સીઝનમાં ફરી ઝારખંડ સામે ડબલ સેન્ચુરી બનાવી છે. આ સાથે જ ચેતેશ્વરે રણજી ટ્રોફીમાં કુલ ૬ ડબલ સેન્ચુરી પૂર્ણ કરી છે જેમાંથી પાંચ તેણે રાજકોટમાં તો એક ૨૦૧૨-૧૩માં મધ્યપ્રદેશ સામે ચેન્નાઈના ગ્રાઉન્ડમાં બનાવી હતી.