જાપાનમાં લેન્ડિંગ વખતે બે વિમાન ટકરાતા ભયાનક આગ, વાંચો પછી શું થયું…?
કોસ્ટ ગાર્ડના વિમાનના પાંચ ક્રૂ મેમ્બર ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં રાહતકાર્ય માટે જતા હતા.
આ ઘટના વખતે જાપાન એરલાઈન્સના વિમાનમાં 379 મુસાફરો હતા. સદનસીબે આ તમામનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ એરપોર્ટ પર તહેનાત ફાયર વિભાગના કર્મચારીઓએ રન-વે પર દોડી જઈને આગ બુઝાવીને તમામને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જાપાન સરકારે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
જાપાનના સ્થાનિક સમય મુજબ પેસેન્જર વિમાને ચાર વાગ્યે ન્યૂ ચિટોસ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને 5:40 વાગ્યે હાનેડા એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું. હનેડા જાપાનના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનુ એક છે. એરપોર્ટ પ્રવક્તાના જણાવ્યાનુસાર, હાલ જાપાનનો આ સૌથી વ્યસ્ત રન-વે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. આ દુર્ઘટના વખતે હજારો લોકો નવા વર્ષની રજાઓના કારણે પ્રવાસ કરી રહ્યા હતા.
જાપાનના ટોક્યોના હાનેડા એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. અહીં જાપાન એરલાઈન્સનું પેસેન્જર પ્લેન JAL 516 લેન્ડિંગ વખતે ત્યાં પાર્ક કરેલા જાપાન કોસ્ટગાર્ડના એક વિમાન સાથે ટકરાઈ ગયું હતું. આ ઘટના પછી બંને વિમાનોમાં ભયાનક આગ લાગી હતી, જેમાં કોસ્ટગાર્ડના વિમાનના પાંચ ક્રૂ મેમ્બરના મોત થયા હતા. કોસ્ટગાર્ડનું આ વિમાન ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા જઈ રહ્યું હતું.