રશિયન શહેર પર યુક્રેનનો સૌથી મોટો હુમલો: બે બાળકો સહિત 20ના મોત
રશિયાનો વળતો હુમલો,અનેક શહેરો પર હવાઈ હુમલા
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ નવા ખતરનાક તબક્કામાં પહોંચી રહ્યું હોય તેવા અમંગળ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે.શનિવારે યુક્રેને કરેલા હુમલામાં યુક્રેન સરહદ નજીક આવેલા બેલગોરોડ શહેરમાં બે બાળકો સહિત 20 લોકો માર્યા ગયા હતા અને 111 લોકો ઘાયલ થયા હતા. યુક્રેને કરેલો અત્યાર સુધીનો આ મોટા માં મોટો હુમલો હતો.
યુક્રેન બોર્ડર થી 30 કિલોમીટર દૂર આવેલ આ શહેર લશ્કરી કાર્યવાહી સંદર્ભે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. યુક્રેને ક્લસ્ટર બોમ્બ વાળા મિસાઈલ વડે હુમલો કર્યો હોવાનો રશિયાએ આક્ષેપ કર્યો હતો.એ હુમલામાં અનેક ગાડીઓ અને મકાનોનો કડૂસલો બોલી ગયો હતો અને સિટી સેન્ટર અને શોપિંગ સેન્ટર સહિત શહેરના અનેક વિસ્તારો અગન જ્વાળાઓ અને ધુમાડામાં લપેટાઈ ગયા હતા.નજીકના ઉરઝોવા નામના ગામડામાં પણ યુક્રેનિયન હુમલાએ તબાહી સર્જી હતી.20 જેટલા મકાનો,સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તથા પાવર લાઈન ને નુકસાન થયું હતું.રશિયાએ એ હુમલાને આતંકવાદી હુમલો ગણાવી યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદની ઇમરજન્સી મીટીંગ બોલાવવાની માંગણી કરી હતી.યુક્રેન ના હુમલાનો જડબાતોડ જવાબ દેવાનો રશિયાએ હુંકાર કર્યો હતો અને યુક્રેનના અનેક શહેરો પર એર સ્ટ્રાઈક શરૂ કરી દીધી હતી.
વર્ષના છેલ્લા અઠવાડિયામાં યુદ્ધ વધુ ભીષણ બન્યું
યુક્રેને ક્રીમિયાના દરિયામાં ગત અઠવાડિયે રશિયાના નોવોચેરકાસ્ક નામના નૌકા જહાજનો નાશ કર્યો તે પછી શુક્રવારે રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતાં જેમાં 39 લોકોના મૃત્યુ થયા હતા.શનિવારે પણ રશિયા એ સરહદ નજીક આવેલા ખાર્કિવ અને સુમી શહેરોથી લઈને છેક દક્ષિણમાં આવેલા ખેરસોન સુધી ભીષણ હવાઈ હુમલા કર્યા હતા.આ શહેરો અનેક વિસ્ફોટો થી ધણધણતા રહ્યા હતા. યુક્રેને બેલગોરોડ શહેર પર કરેલા હુમલા બાદ તુર્ત જ રશિયાએ યુક્રેનના 13 રોકેટ અને 32 ડ્રોન તોડી પાડયા હતા.