કરોડોની કિંમતના વૃક્ષો કાપવા બદલ ભાજપના સાંસદના ભાઈની ધરપકડ
ભાગેડુ આરોપીને કર્ણાટક પોલીસે ઝડપી લીધો
કર્ણાટકના ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાના ભાઈ વિક્રમ સિમ્હાની કરોડોની કિંમતના વૃક્ષો કાપવાના અને લાકડાની દાણચોરી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કવોડ દ્વારા ધરપકડ કરાયેલ વિક્રમ સિમ્હા હાલમાં વન વિભાગની કસ્ટડીમાં છે.નોંધનીય છે કે તાજેતરમાં સંસદ ભવનમાં થયેલી સુરક્ષા ચૂક અને હંગામા ના કેસમાં એક આરોપીને વિઝીટર્સ ગેલેરીનો એન્ટ્રી પાસ આપવા બદલ સાંસદ પ્રતાપ સિમ્હા વિવાદમાં ઘેરાયાં હતા અને હવે તેમનો ભાઈ પણ ગુનામાં સપડાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કર્ણાટકના હાસન જિલ્લામાં કરોડોની કિંમતના 126 જેટલા વૃક્ષો કાપીને અન્યત્ર લઈ જવામાં આવ્યા હતા.એ ઘટનામાં વિક્રમની સંડોવણી ખુલ્યા બાદ પોલીસ વન અધિકારીઓ વિક્રમ સિંહાને શોધી રહ્યા હતા, પરંતુ તે ભાગી ગયો હતો. અધિકારીઓએ વિક્રમને બેંગલુરુ સુધી ટ્રેક કરવા માટે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો.અંતે વન વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચ ના સંયુક્ત ઓપરેશનમાં તેને ઝડપી લેવાયો હતો.