રાજકોટમાં આજે રાત પડશે’ને ઉગશે દિવસ !
પથર્ટી ફર્સ્ટથની ઉજવણીમાં મગ્ન બનશે શહેરીજનો: ઠેર-ઠેર ડાન્સ વીથ ડી.જે.ના આયોજન તો ફાર્મહાઉસ-ક્લબમાં અલગથી જમાવટ: શહેરના દરેક ચોકમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત-આકરું ચેકિંગ
૨૦૨૩નું વર્ષ પૂર્ણ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. નવી આશા, ઓરતા, અરમાનો લઈને ૨૦૨૪નું વર્ષ આવી રહ્યું છે ત્યારે નવા વર્ષને વેલકમ કરવા માટે રાજકોટીયન્સ રીતસરના થનગની રહ્યા છે. આજે થર્ટી ફર્સ્ટ હોવાથી શહેરમાં રાત પડશે’ને દિવસ ઉગ્યા જેવો માહોલ છવાઈ જશે. ખાસ કરીને રવિવાર હોવાથી આમ પણ આખું શહેર બહાર હરવા-ફરવા માટે નીકળતું હોય છે ત્યારે થર્ટી ફર્સ્ટ નિમિત્તે લોકોને ફરવાનું વધુ એક બહાનું મળી જશે.
રાજકોટમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઠેર-ઠેર ડાન્સ વીથ ડી.જે.ના આયોજન કરવામાં આવ્યા છે જેમાં એક એકથી ચડિયાતા કલાકારો સાથે લોકો ઠુમકા લગાવીને ન્યુ યરને વેલકમ કરશે. શહેરમાં અત્યારે ફુલગુલાબી ઠંડી પડી રહી હોવાથી લોકોને આકરી ટાઢનો સામનો કરવો પડશે નહીં જેના કારણે ઉજવણી બમણી થઈ જશે. રાજકોટ શહેરની ભાગોળે મોટાભાગના પાર્ટીપ્લોટસમાં ડી.જે.ના આયોજન કરવામાં આવ્યા હોવાથી તમામ હાઉસફૂલ થઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત અલગ-અલગ ફાર્મહાઉસ તેમજ ક્લબમાં ગ્રુપ્સ પાર્ટીના પણ અલગ-અલગ આયોજનો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યાં આખી રાત પાર્ટી ચાલશે.
બીજી બાજુ થર્ટી ફર્સ્ટ હોવાથી કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બની જાય તે માટે પોલીસ સાબદી થઈ ગઈ છે અને સમી સાંજથી જ ચેકિંગ શરૂ કરી દીધું છે. રાત્રે ૮ વાગ્યા સુધીમાં તો દરેક પોઈન્ટ ઉપર પોલીસ ગોઠવાઈ જશે અને કોઈ દારૂ કે અન્ય કેફી દ્રવ્યોનો નશો કરીને નીકળ્યું તો નથી ને તેનું સઘન ચેકિંગ કરશે. આ ઉપરાંત તમામ વાહનો ઉપર પણ પોલીસની બાજનજર રહેશે. અન્ય તહેવારની માફક આ તહેવાર પણ શાંતિપૂર્ણ ઉજવાય તે માટે પોલીસ દ્વારા ઠેર-ઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.