ઢોર’ માટે મહાપાલિકા ઉંધા માથે !!
લાયસન્સ માટે ૬૫૦થી વધુ અરજીનો ઢગલો: આજે અરજી કરવાનો છેલ્લો દિવસ ત્યારબાદ
સાગમટે’ વેરિફિકેશન કરાશે: તમામ અરજીનો નિકાલ થતાં ૧૫ દિવસ લાગી જાય તેવી સ્થિતિ
હાઈકોર્ટના આદેશ બાદ રખડતાં ઢોર સામે રાજ્યની દરેક મહાપાલિકા દ્વારા આક્રમક બનીને કામગીરી કરવામાં આવી રહી છે. કોર્ટના ચુકાદા બાદ ૧૨૫૦થી વધુ ઢોર પકડી લેવામાં આવ્યા છે સાથે સાથે ૩૧ ડિસેમ્બર બાદ રસ્તે રખડતાં ઢોરને કાયમી જપ્ત કરી લેવાનો નિર્ણય જાહેર કરાતાં જ મહાપાલિકામાં ઢોર રજિસ્ટે્રશન માટે પડાપડી થઈ જવા પામી છે. એકંદરે દસ દિવસની અંદર જ ઢોર રજિસ્ટે્રશન માટે ૬૫૦થી વધુ અરજીઓ થઈ જતાં સ્ટાફ રીતસરનો ઉંધા માથે થઈ ગયો છે.
આ અંગે વેટરનરી ઑફિસર ડૉ.જાકાસણીયાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજે ઢોર નોંધણી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ છે ત્યારે મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ સ્ટાફ દ્વારા આવેલી તમામ અરજીઓનું વેરિફિકેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે મનપા દ્વારા દરરોજ ૩૫ જેટલી અરજીનું વેરિફિકેશન કરી શકાય તેમ હોવાથી તમામ અરજીનો નિકાલ કરવામાં ૧૫ દિવસથી વધુનો સમય નીકળી જશે.
તેમણે ઉમેર્યું કે વેરિફિકેશન પ્રક્રિયામાં જે અરજદારે રજિસ્ટે્રશન માટે અરજી કરી હશે તેને ત્યાં રૂબરૂ જઈને જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે કોઈ ઢોરમાલિકે બે ઢોર માટે રજિસ્ટે્રશન કરાવવા અરજી કરી હોય પરંતુ તેની પાસે એક જ ઢોર રાખવાની જગ્યા હોય તો પછી તેની અરજી માન્ય ગણાશે નહીં. આ ઉપરાંત ઢોરનું ટેગીંગ, ફોર્મ ભરવા સહિતની કાર્યવાહી કરવાની થશે. એકંદરે સોમવારથી ઢોર પકડવાની સાથે સાથે અરજીનો નિકાલ કરવાનું પણ શરૂ કરી દેવામાં આવશે.
ઢોર પકડાયા બાદ માલિકે અરજી કરી હશે તો મુક્ત કરી દેવાશે
સોમવારથી મહાપાલિકા દ્વારા પૂરજોશમાં ઢોરપકડ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જો કે મોટો ગુંચવાડો એ સર્જાશે કે જો કોઈ ઢોર પકડાય અને તેના માલિક દ્વારા રજિસ્ટે્રશન માટેની અરજી કરવામાં આવી હશે તો તે ઢોરને મુક્ત કરી દેવામાં આવશે કેમ કે અરજીનું વેરિફિકેશન બાકી હોવાથી તે ઢોર જપ્ત કરી શકાય તેમ નથી ! જો લાયસન્સ માટે અરજી જ નહીં કરી હોય તો પછી એ ઢોરને કાયમ માટે જપ્ત કરી લેવાશે.
વધુ સ્ટાફ ફાળવાય તો કામગીરી ઝડપી બને
જાણવા મળ્યા પ્રમાણે ઢોર રજિસ્ટે્રશન માટે અત્યારે ૧૬ લોકોનો સ્ટાફ કાર્યરત છે ત્યારે વેરિફિકેશન સહિતની કામગીરી માટે વધુ સ્ટાફ ફાળવવામાં આવે તો કામગીરી ઝડપી બની શકે તેમ છે કેમ ૭૦૦થી ૮૦૦ જેટલી અરજી આવવાનો અંદાજ છે ત્યારે દૈનિક ૩૫ અરજીનું જ વેરિફિકેશન થઈ શકે તેમ હોવાથી સ્ટાફ વધારાય તો દૈનિક વધુ અરજીનો નિકાલ થાય તેમ છે.