મહારાષ્ટ્રમાં શિવસેનાને કોંગ્રેસે કઈ વાતનો કર્યો ઇનકાર, વાંચો
- ઇન્ડિયા ગઠબંધનમાં સીટ શેરિંગ મુદ્દે ગંભીર તડાં
- શિવસેનાએ 23 બેઠક ઉપર લડવાની જાહેરાત કરી દીધી
ભાજપને ભરી પીવા માટે વિપક્ષોએ રચેલા ઇન્ડિયા ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ગંભીર મતભેદો સપાટી ઉપર આવી રહ્યા છે.મહારાષ્ટ્રમાં શિવસેનાએ 23 બેઠકોની માગણી કરતા અને કોંગ્રેસે તે માંગણી સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો છે.
મહા વિકાસ અઘાડી ગઠબંધનના સભ્ય પક્ષો શિવસેના (ઠાકરે), એનસીપી અને કોંગ્રેસ વચ્ચે આગામી લોકસભાની ચૂંટણીમાં બેઠક વહેંચણીની ચર્ચા માટે મળેલી બેઠકમાં શિવસેનાએ મહારાષ્ટ્રની 48 બેઠકમાંથી 23 બેઠકોની માગણી કરી હતી. જો કે કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે એ માંગણી ઠુકરાવી દેતા જણાવ્યું કે મૂળ શિવસેનાના વિભાજન બાદ ઠાકરેનો પક્ષ નબળો પડી ગયો છે અને તેમની પાસે તમામ બેઠકો પર ઉભા રાખવા માટે ઉમેદવારો પણ નથી.
કોંગ્રેસના બીજા એક નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે કહ્યું કે બધા પક્ષો મહત્તમ બેઠક મેળવવાની અપેક્ષા રાખે છે પરંતુ પ્રવર્તમાન રાજકીય સંજોગોમાં શિવસેના ઠાકરે જૂથ 23 બેઠક માગી રહ્યું છે તે વધારે પડતું છે. તેમણે કહ્યું કે શિવસેના અને એનસીપીના વિભાજન બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ જ એકમાત્ર સ્થિર અને શક્તિશાળી પક્ષ છે.
બીજી તરફ શિવસેના પોતાની માંગણી ઉપર અડગ છે.
સંજય રાઉતે કહ્યું કે આ મહારાષ્ટ્ર છે અને તેમાં શિવસેના (ઠાકરે) સૌથી મોટો પક્ષ છે. અમે હમેશા લોકસભામાં 23 બેઠકો ઉપર ચૂંટણી લડતા આવ્યા છીએ. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું કે કોંગ્રેસને ગત ચૂંટણીમાં એક પણ બેઠક મળી નહોતી. કોંગ્રેસે તો ઝીરો થી શરૂઆત કરવાની છે. આવી સામસામી નિવેદનબાજી વચ્ચે સંજય રાઉતે તમામ 23 બેઠકો ઉપરથી ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી હતી.આ સંજોગોમાં મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનનું ભાવી અધધરતાલ હોવાના સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે.
મમતા એ કહ્યું,’ કોંગ્રેસ તો ભાજપ સાથે ભળી ગઈ છે’
ઇન્ડિયા ગઠબંધનમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ પ્રવર્તે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન થશે પણ પશ્ચિમ બંગાળમાં તો ભાજપ સામે તૃણમૂલ જ લડશે. તેમણે એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો કે બંગાળમાં તો સીપીઆઈ, કોંગ્રેસ અને ભાજપ ગઠબંધન બનાવી અને અમારી સામે પ્રચાર કરી રહ્યા છે.