રાજકોટમાં કોરોના કેટલા લોકોને `અડી’ ગયો !, વાંચો
કયા વિસ્તારમાંથી કેસ મળ્યા, કેટલી ઉંમર છે તે સહિતની વિગતો જાહેર કરવાનો સરકારનો ઈનકાર: તમામની તબિયત સ્થિર હોવાનો મહાપાલિકાનો દાવો
દેશમાં કોરોના ધીમે-ધીમે રફ્તાર પકડી રહ્યો છે જેના કારણે ફરી ચિંતા પ્રવર્તી રહી છે. આ બધાની વચ્ચે રાજકોટમાં પણ કોરોના આગળ વધી રહ્યો હોય તેવી રીતે થોડા જ સમયમાં નવ લોકોને અડી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ કેસ કયા વિસ્તારના છે, દર્દીની ઉંમર કેટલી છે તે સહિતની વિગતો જાહેર કરવાનો સરકાર દ્વારા મહાપાલિકાને સ્પષ્ટ ઈનકાર કરી દેવામાં આવ્યો હોવાથી કોઈ જ પ્રકારની માહિતી આપવામાં આવી રહી નથી. જાણવા મળ્યા પ્રમાણે કોરોનાગ્રસ્ત ૯ દર્દીની તબિયત અત્યારે સ્થિર છે અને તમામ હોમ આઈસોલેટ હોવાનું ધ્યાન પર આવી રહ્યું છે.
એકંદરે લોકોના ભય ફેલાય નહીં તે માટે સરકાર દ્વારા દરેક મહાપાલિકા-નગરપાલિકાને કોરોનાના કેસની વિગતો જાહેર કરવાનો પ્રતિબંધ ફરમાવી દીધો છે. હવે માત્ર સરકાર તરફથી જ કોરોનાની વિગતો જાહેર કરવામાં આવશે તે સિવાય સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જાતની માહિતી નહીં આપવામાં આવે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તાજેતરમાં જ ખાનગી લેબોરેટરી દ્વારા કોરોના દર્દીનો રિપોર્ટ જાહેર કરી દેવામાં આવ્યો હતો જે પછી મહાપાલિકા દ્વારા તે લેબોરેટરીને પણ નોટિસ ફટકારાઈ હતી. હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા રાજ્યમાં કોરોનાના કેસ કેટલા છે તેની વિગત ક્યારે જાહેર કરવામાં આવે છે ?