ગોંડલ ચોકડીએ થતાં ટ્રાફિકમાંથી વાહનચાલકો-વેપારીઓને મળી મુક્તિ
- “વોઇસ ઓફ ડે”ની ઝુંબેશને સફળતા, ટ્રાફિકની સમસ્યા હળવી થતા વેપારીઓએ કરી સરાહના
- “વોઇસ ઓફ ડે”માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા બેરીકેટ મૂકવામાં આવતા ગેરકાયદે ઉભી રહેતી ખાનગી બસ-ઇકોનું દબાણ દૂર થયું: ગોંડલથી શાપર-વેરાવળ, જુનાગઢ તરફ દૈનિક પસાર થતાં લાખો વાહનચાલકોને મળી રાહત
રાજકોટની ભાગોળે ગોંડલ ચોકડી કરોડોના ખર્ચે બ્રિજ બન્યા બાદ પણ ટ્રાફિકજામ થવાની સ્થિતિ ઠેરની ઠેર હતી. “વોઇસ ઓફ ડે” દ્વારા ગોંડલ ચોકડી થતાં ટ્રાફિકજામ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેને લઈને ટ્રાફિક પોલીસ-તંત્રની ઉંઘ ઉડી હતી ગોંડલ ચોકડીએ બેરીકેટ લગાવી ગેરકાયદે ઉભી રહેતી બસ-ઇકો કારના દબાણને દૂર કરવામાં આવ્યા છે જેના કારણે આ રોડ પરથી પસાર થતાં લાખો વાહનચાલકો અને આસપાસના વેપારીઓએ રાહત અનુભવી છે.

“વોઇસ ઓફ ડે” દ્વારા સામાન્ય નાગરિકોને સ્પર્શતી સમસ્યા ઝુંબેશ રૂપે ઉઠાવવામાં આવી છે જેના ભાગરૂપે શહેરમાં ટ્રાફિક સમસ્યાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દરરોજ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સર્જાતાં ટ્રાફિકના પ્રશ્નેને ઉઠાવી આ સમસ્યા દૂર કરવા તંત્રના કાન મરોડવામાં આવે છે. જો કે કેટલાક વાહનચાલકો પણ ટ્રાફિકના નિયમનો પાળતા ન હોય તે અંગે પણ તસવીરો અને અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે. જેની શહેરીજનો પણ સરાહના કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ “વોઇસ ઓફ ડે”માં ગોંડલ ચોકડીએ થતાં ટ્રાફિકજામ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને અહીથી પસાર થતાં દૈનિક લાખો વાહનચાલકોને રાહત મળી છે. તો બીજી તરફ વેપારીઓ પણ રાહત અનુભવી રહ્યા છે.

ગોંડલ ચોકડીએ ટ્રાફિકની સમસ્યા હળવી થતાં આસપાસના વેપારીઓ પણ ખુશ છે. વેપારીઓએ કહ્યું હતું કે, “વોઇસ ઓફ ડે” એ અમારી પીડાને વાચા આપી અને દરરોજના ટ્રાફિકની અવગડતના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં સહાયતા કરી. ગોંડલ ચોકડીએ અંદાજે રૂ.90 કરોડના ખર્ચે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ ટ્રાફિકની સમસ્યા હળવી થઈ નહતી. અમદાવાદથી ગોંડલ તરફ જતાં હાઇ-વે પર બ્રિજ બનાવવામાં આવ્યો છે જ્યારે બ્રિજ પૂરો થાય ત્યાં જ ગેરકાયદે ખાનગી બસ અને ઇકો કાર અડધો રોડ રોકીને ઉભી રહેતી હતી. જ્યાં તંત્ર દ્વારા બેરીકેટ રાખી દેવામાં આવ્યા છે. તો સામેની બાજુ લોખંડની જાળી રાખી દેવામાં આવી છે. જેના કારણે હવે રાજકોટથી શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ જતાં કારખાનેદારો અને ગોંડલ, ઉપલેટા, જુનાગઢ તરફ જતાં વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી આંશિક રાહત મળી છે. જ્યારે અહી ગેરકાયદે ઉભી રહેતી ખાનગી બસને બ્રિજ નીચે ઉભી રાખવામાં આવતા અડધો રોડ રોકીને ઉભી રહેતી બસ અને ખાનગી વાહનોના દબાણો દૂર થયા છે.

રાજકોટથી શાપર-વેરાવળ જતાં કારખાનેદારોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી
શાપર નજીક કારખાનું ધરાવતા રાજકોટના મેહુલ પિત્રોડાએ જણાવ્યું હતું કે, “વોઇસ ઓફ ડે” દ્વારા ગોંડલ ચોકડીએ થતાં ટ્રાફિકજામ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલ અહી ટ્રાફિકજામની પીડામાંથી મુક્તિ મળી છે. મારા જેવા અનેક કારખાનેદારો છે કે જે રોજ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં જવા માટે ઉપ-ડાઉન કરે છે અહી પહેલા જે સમસ્યા સર્જાતી હતી તેના કારણે તેમનો સમય બરબાદ થતો હતો. જેમાંથી હવે અમને મુક્તિ મળી છે.
ટ્રાફિક હળવો થતાં હવે અમને ઘણી રાહત મળી છે
ગોંડલ ચોકડીએ દુકાન ધરાવતા વેપારી સંજયભાઇ કાકડીયાએ વોઇસ ઓફ ડેને કહ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યા હળવી થતાં અમને ઘણી રાહત થઈ છે. પહેલા અહી વાહનોના ખડકલા થતાં હતા. લોકો દુકાન સુધી ઉભા રહેતા હતા. જે કે વોઇસ ઓફ ડે અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ હવે અમને ઘણી રાહત મળી છે.
ટ્રાફિકની પીડામાંથી હવે અમને મુક્તિ મળી
ગોંડલ ચોકડીએ હાર્ડવેરની દુકાન ધરાવતા અન્ય એક વેપારી કલ્પેશ ચૌહાણે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, ગોંડલ ચોકડી થતાં ટ્રાફિકજયાંથી વાહનચાલકો અને આસપાસના વેપારીઓ પણ કંટાળી ગયા હતા. મારે ગોંડલ ચોકડીથી દુકાન સુધી પહોંચવા માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાતી હતી. જો કે વોઇસ ઓફ ડે અખબારમાં અહેવવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. જેના કારણે અમને ટ્રાફિકની પીડામાંથી છુટકારો મળ્યો છે.